ગુજરાતમાં મેઘરાજાની નવી ધમાકેદાર ઇનિંગની શરૂઆત થઇ ચુકી છે. એક પછી એક જિલ્લાઓને ધમરોળવાનું શરૂ કરી દીધું છે. હાલમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે. દક્ષિણ તથા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે.
દ્વારકામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા આઠમથી જ જગતના નાથ દ્વારકાધીશના ચરણો પખાળી રહ્યા છે. આજે સતત ત્રીજા દિવસે પણ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો હતો. દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની હેલી છવાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ ઉગાડેલા પાકને નવજીવન પ્રાપ્ત થયું છે. દ્વારકાધીશના જગત મંદિરની પ્રખ્યાત છપ્પન સિડી પરથી પાણીના વહેતા થયા હતા. ભારે પવન સાથે દ્વારકામાં વરસાદી માહોલ છવાયો હતો. ગાજ વીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા. સામાન્ય જનજીવન પર તેની અસર પડી હતી.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ઉમરગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને ઉમરગામના સ્ટેશન રોડ પર કલ્પતરું સોસાયટીના રસ્તા પર પાણી ભરાયા હતા. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઇ રહી છે. એમ.એમ હાઇસ્કુલ રોડ, મામલતદાર કચેરી સામેના રોડ પર પાણી વહેલી સવારથી જ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું. બજારોમાં પાણી ભરાઇ જવાનાં કારણે વેપારીઓને મુશ્કેલી પડીહ તી. આ ઉપરાંત સવારે શાળા કોલેજ જતા બાળકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે સમગ્ર જીનજીવન ન માત્ર પ્રભાવિત પરંતુ અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.
દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના પગલે સૌરાષ્ટ્રમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દ્વારકા જિલ્લાનું લાંગા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લાંગા ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. જે વરસાદ પાક માટે કાચુ સોનુ બનીને વરસી રહ્યો હતો તે વરસાદ હવે ખેડૂતો માટે કાળ બની ગયો છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ખેતરો પણ તળાવ બન્યા હતા. ખેતરોના નાળા નદીઓની જેમ ગાંડાતુર બન્યા હતા.
માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ થયો હતો. કામનાથ નજીક નોળી નદીમાં કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ થઇ ગયો હતો. કોઝવે ભારે પાણીને પગલે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેથી કોઇ ઉતાવળો કે અટકચાળો વ્યક્તિ કોઝવે પરથી પસાર ન થાય. જા કે ધારાસભ્યએ સ્થળની મુલાકાત લઇને લોકોને સાંત્વના પણ આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા આ નદી પર બ્રિજ બનાવવા માટે ૭.૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ચોમાસુ પુર્ણ થતા જ પુલનું કામ શરૂ કરી દેવામાં આવશે. ટેન્ડરિંગ બાદ બ્રિજની કામગીરીને આગળ ધપાવાશે