અંતે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બની ગયાં.

દેશના બંધારણીય વડા મનાતા રાષ્ટ્રપતિપદ માટેની ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને વિદેશ મંત્રી યશવંત સિંહાને હરાવીને વિજેતા બનેલાં દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિપદે શપથવિધી થઈ એ સાથે જ ઈતિહાસ રચાઈ ગયો. દ્રૌપદી મુર્મના રૂપમાં દેશને પ્રતિભા પાટિલ પછી બીજાં મહિલા રાષ્ટ્રપતિ મળ્યાં જ્યારે આદિવાસી સમુદાયમાંથી આવનારાં એ પહેલાં રાષ્ટ્રપતિ છે.

ભારતમાં આદિવાસી સમુદાયની વસતી બહુ નથી. દેશની કુલ વસતીમાં આદિવાસીઓનું પ્રમાણ સાત ટકાની આસપાસ છે. આ કારણે કેન્દ્ર સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ-શીડ્યુલ્ડ ટ્રાઈબ્સ (એસટી) માટે અનામતનું પ્રમાણ સાડા સાત ટકા છે જ્યારે દલિતોની વસતી વધારે હોવાથી અનુસૂચિત જાતિ-શીડ્યુલ્ડ કાસ્ટ્સ (એસસી) માટે અનામતનું પ્રમાણ પંદર ટકા છે.

ગુજરાત, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા એ રાજ્યોમાં આદિવાસીઓની વસતી 15 ટકાની આસપાસ છે તેથી ગુજરાતમાં કેન્દ્ર કરતાં અલગ અનામત છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિ-શીડ્યુલ્ડ ટ્રાઈબ્સ (એસટી) માટે અનામતનું પ્રમાણ 15 ટકા છે જ્યારે અનુસૂચિત જાતિ-શીડ્યુલ્ડ કાસ્ટ્સ (એસસી) માટે અનામતનું પ્રમાણ સાડા સાત ટકા છે.  ઘણાં રાજ્યોમાં આદિવાસી સમુદાયની વસતી સાવ નહિવત છે અથવા બિલકુલ નથી તેથી એસટી કેટેગરીની  અનામત જ નથી.

જો કે અનુસૂચિત જાતિ-શીડ્યુલ્ડ કાસ્ટ્સ (એસસી) માટે અનામતનું પ્રમાણ કેટલું છે એ મુદ્દો અલગ છે. મૂળ વાત એ છે કે, આદિવાસી સમાજ દેશમાં સૌથી વંચિત સમાજ છે. જંગલોમાં રહેતા આદિવાસી સમાજનો વિકાસ કરવાનો છે એવો ખયાલ જ શાસકોને ના આવ્યો તેથી આદિવાસી સમાજ સુધી શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પણ ના પહોંચી.

આ સમાજમાંથી કોઈ વ્યક્તિ દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર પહોંચે એ બહુ મોટી સિધ્ધી ગણાય. દ્રૌપદી મુર્મુએ આ સિધ્ધી મેળવી હોવાથી પ્રસંશાનાં હકદાર છે.

દ્રૌપદી મુર્મુ તો બેવડી પ્રસંશાનાં હકદાર છે.

દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે અને પાછાં એક મહિલા નેતા છે. આપણે મહિલા સશક્તિકરણની ગમે તેટલી વાતો કરીએ પણ મહિલાઓની સ્થિતી શું છે તે આપણને ખબર છે. ભારતમાં મહિલાઓની વસતી પુરૂષોની વસતી જેટલી જ છે. બલ્કે ઘણાં રાજ્યોમાં તો મહિલાઓની વસતી પુરૂષો કરતાં પણ વધારે છે. એ પછીય સત્તામાં ભાગીદારીની વાત આવે ત્યારે પુરૂષો  છવાયેલા રહે છે. મોટા અને મહત્વના હોદ્દા તો પુરૂષોને જ મળે એવો વણલખ્યો નિયમ હોય એવો માહોલ છે.

આઝાદીના પંચોતેરમા વરસે પણ દેશમાં માત્ર બે મહિલા રાષ્ટ્રપતિપદે પહોંચી એ જ શું સૂચવે છે ?

દ્રૌપદી મુર્મુ આ માહોલમાં રાષ્ટ્રપતિપદે પહોંચ્યાં છે એ મોટી વાત છે.

//////////////////

દ્રૌપદી મુર્મુની જીતને પગલે મહિલા સશક્તિકરણની વાતો હવામાં છે.

દ્રૌપદી મુર્મુની રાષ્ટ્રપતિપદે વરણીએ દેશમાં સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ થયું હોવાની વાતો થઈ રહી છે પણ આ વાતો ખોખલી છે. રાષ્ટ્રપતિપદે એક મહિલા બેસી જાય તેનાથી મહિલા સશક્તિકરણ થઈ જતું નથી. મહિલાઓને તેમની વસતીના પ્રમાણમાં નહીં પણ લાયકાતના ધોરણે સત્તામાં ભાગીદારી મળે એ સાચું મહિલા સશક્તિકરણ કહેવાય ને માત્ર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બની જાય તેથી એ લક્ષ્ય હાંસલ થઈ ગયું એવી વાતો કરવી તેનાથી મોટો કોઈ ભ્રમ ના કહેવાય.

દ્રૌપદી મુર્મુ પહેલાં ભારતમાં અત્યાર સુધીમાં માત્ર એક મહિલા વડાપ્રધાન, એક મહિલા રાષ્ટ્રપતિ ને બે મહિલા લોકસભાનાં સ્પીકર બન્યાં હતાં. ઈન્દિરા ગાંધી દેશનાં એક માત્ર મહિલા વડાપ્રધાન છે. પ્રતિભા પાટિલ  એક માત્ર મહિલા રાષ્ટ્રપતિ હતાં ને મીરા કુમાર તથા સુમિત્રા મહાજન બે મહિલા સ્પીકર બન્યાં છે. દેશના ઉપરાષ્ટ્રપતિપદે એટલે કે રાજ્યસભાનાં ચેરપર્સન તરીકે તો હજુ સુધી એક પણ મહિલા નથી આવ્યાં.

દેશમાં 33 રાજ્યો છે પણ અત્યાર સુધીમાં 16 મહિલાઓ જ મુખ્યમંત્રીપદે પહોંચી છે.

કોંગ્રેસનાં સુચેતા કૃપલાની દેશનાં પહેલાં મહિલા મુખ્યમંત્રી હતાં. સુચેતા કૃપલાની (ઉત્તર પ્રદેશ) પછી નંદિની સત્પથી (ઓરિસ્સા), શશીકલા કાકોડકર (ગોઆ), સૈયદા અનવરા તૈમુર (આસામ),  જાનકી રામચંદ્રન (તમિલનાડુ),  જયલલિતા (તમિલનાડુ),  માયાવતી (ઉત્તર પ્રદેશ), સુષ્મા સ્વરાજ (દિલ્હી),  રબડી દેવી (બિહાર),  રાજીન્દર કૌર ભટ્ટલ (પંજાબ),  શીલા દિક્ષીત (દિલ્હી),  વસુંધરા રાજે (રાજસ્થાન),  ઉમા ભારતી (મધ્ય પ્રદેશ),  મમતા બેનરજી (પશ્ચિમ બંગાળ), આનંદીબેન પટેલ (ગુજરાત) તથા મહેબૂબા મુફતી (જમ્મુ અને કાશ્મીર) એટલી મહિલાઓ  મુખ્યમંત્રીપદે પહોંચી છે.

અત્યારે  પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી દેશમાં એક માત્ર મહિલા મુખ્યમંત્રી છે.

આ પૈકી મોટા ભાગની મહિલાઓ રાજકીય પરિવારોમાંથી આવે છે. દ્રૌપદી મુર્મુની જેમ સાવ સામાન્ય પરિવારમાંથી આપબળે આગળ આવી હોય એવી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. માયાવતી, રાજીન્દર કૌર ભટ્ટલ, ઉમા ભારતી, મમતા બેનરજી જેવી ગણીગાંઠી મહિલાઓ મુર્મુની જેમ સ્વબળે આગળ આવી છે. આ મુખ્યમંત્રીઓમાં પણ બહુ ઓછી મહિલા એવી છે કે જ બહુ લાંબી ટકી હોય.

શીલા દિક્ષીત સળંગ ત્રણ ટર્મ લગી દિલ્હીનાં મુખ્યમંત્રી ચૂંટાયાં હતાં.

મહિલા મુખ્યમંત્રી તરીકે દેશમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રીપદે રહેવાનો વિક્રમ તેમના નામે છે.  જયલલિતા સૌથી વધું વાર પાંચ વાર મુખ્યમંત્રી બન્યાં પણ માત્ર એક વાર સળંગ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી. માયાવતી 4 વાર મુખ્યમંત્રી બન્યાં પણ એક જ વાર 5 વર્ષની ટર્મ પૂરી કરી. રબડી દેવી ત્રણ વાર ગાદી પર બેઠાં પણ પાંચ વર્ષની ટર્મ એક જ વાર પૂરી કરી. રાજસ્થાનમાં વસુંધરા રાજે બે ટર્મ પૂરી કરી ચૂક્યાં છે જ્યારે  મમતાની ત્રીજી ટર્મ છે.

આ સિવાયની મહિલા મુખ્યમંત્રીઓ બહુ ઓછું ટકી છે.

//////////////////

કોંગ્રેસની સરખામણીમાં ભાજપે મહિલાઓને મોટા હોદ્દા વધારે આપ્યા છે.

કોંગ્રેસે દેશ પર લાંબો સમય રાજ કર્યું પણ કેન્દ્ર સરકારમાં મહત્વનાં મંત્રાલય કદી મહિલાઓને ના આપ્યાં. તેની સામે નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી જ ટર્મમાં વિદેશ મંત્રાલય સુષ્મા સ્વરાજને આપેલું. ભારતમાં વિદેશ મંત્રાલય ટોચનાં ત્રણ મહત્વનાં ખાતાંમાં ગણાય છે.  ઈન્દિરા ગાંધીએ વિદેશ મંત્રાલય થોડો સમય રાખેલું પણ  એ સિવાય બીજાં કોઈ મહિલાને આ મંત્રાલય નહોતું મળ્યું. સુષ્મા સ્વરાજે દેશનાં પહેલાં સ્વતંત્ર મહિલા વિદેશ પ્રધાન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

મોદીએ સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલય જેવું મહત્વનું મંત્રાલય સોંપેલું.  કાપડ ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે. કરોડો લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. પહેલાં આ મંત્રાલય પુરૂષ પ્રધાનો જ સંભાળતા પણ મોદીએ સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલય આપીને નવો ચિલો ચાતરેલો.

મોદીએ સંરક્ષણ મંત્રાલય નિર્મલા સીતારામનને આપીને એ ઈતિહાસ દોહરાવ્યો હતો.  નિર્મલા પહેલાં ઈન્દિરા ગાંધી સંરક્ષણ પ્રધાન બન્યાં હતાં પણ ઈન્દિરાની વાત અલગ હતી. મોદીએ નિર્મલાને નાણાં મંત્રી બનાવીને ફરી ઈતિહાસ રચ્યો કેમ કે નિર્મલા દેશના પહેલાં સ્વતંત્ર નાણાં પ્રધાન બન્યાં.

મોદીએ સુમિત્રા મહાજનને લોકસભાનાં સ્પીકર અને દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિપદે બેસાડીને એ જ પરંપરાને આગળ ધપાવી છે

///////////////////////

દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદે બેઠાં છે ત્યારે એક વાત વિચારવાની જરૂર છે.

ભારતમાં મહિલાએની વસતી પચાસ ટકા છે છતાં તેમને સત્તામાં યોગ્ય ભાગીદારી કેમ મળતી નથી ?

આ સવાલનો જવાબ દેશની મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતીમાં છે. ભારત હજુય પુરૂષ પ્રધાન દેશ છે અને મહિલાઓને સેકન્ડ ક્લાસ સિટિઝન્સ જ માનવામાં આવે છે. આ દેશમાં છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ તેનું મુખ્ય કારણ પણ પુરૂષ પ્રધાન માનસિકતા જ છે.

છોકરાઓને ભણેલી છોકરીઓ પત્નિ તરીકે જોઈએ છે તેથી મા-બાપ છોકરીઓને ભણાવે છે. પોતાની દીકરી આત્મનિર્ભર બને, પોતાની તાકાત પર આગળ વધે અને પોતાની આગવી ઓળખ બનાવે એ ઉદ્દેશથી છોકરીને ભણાવનારાં મા-બાપ ઓછાં છે. તેના કારણે ભણેલી છોકરીઓ પણ કમાતી હોય તો પણ પુરૂષોની ઓશિયાળી થઈને જ રહે છે. બહુ ઓછા પરિવાર એવા હોય કે જ્યાં સ્ત્રીઓ સ્વતંત્ર રીતે પોતાને લગતા નિર્ણય લઈ શકે, પોતાની કરીયર કે પોતાની આર્થિક બાબતો અંગે પોતે જ નક્કી કરી શકે.

રાજકારણ સમાજનું પ્રતિબિંબ છે તેથી ત્યાં પણ એ જ સ્થિતી છે.

રાજકારણમાં પણ પુરૂષો જ હાવી છે અને તેમને મન સ્ત્રીઓની કોઈ કિંમત જ નથી. પોતે સુધરેલા છે એવું બતાવવા માટે સ્ત્રી સશક્તિકરણની વાતો બધા કરે છે પણ ખરેખર એ રીતે વર્તતા નથી. ચૂંટણીમાં ટિકિટોની વાત હોય કે મોટા હોદ્દાની વાત હોય, મહત્વ પુરૂષોને જ મળે છે. રાજકારણમા જે સ્ત્રીઓ છે એ પણ કશું બોલ્યા વિના આ વાતને સ્વીકારી લે છે.

માયાવતી કે મમતા બેનરજી જેવી કોઈ જ સ્ત્રી એવી નિકળે કે જે દબાય નહીં, પોતાનું ધાર્યું કરી શકે. માયાવતી અને મમતા જેવી મહિલા નેતાઓ અપવાદ છે કે જે પોતાની શરતે ચાલવા પુરૂષ રાજકારણીઓને ફરજ પાડી શકે છે.

કમનસીબે બધી સ્ત્રીઓ મમતા કે માયાવતી જેવા અપવાદ બની શકતી નથી તેથી સ્ત્રીઓને તેમનો હક મળતો નથી. આ કારણે જ દ્રૌપદી મુર્મુ જેવાં કોઈ ઉંચા હોદ્દા પર બેસે ત્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીને ખુશ થવું પડે છે.