પૂર્વ એશિયાઈ સમુદ્રમાં તંગદિલી વ્યાપી ગઇ છે. ચીની ડ્રેગને નાનકડા પાડોશી દેશ તાઇવાનની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. ચીને તાઇવાની સમુદ્રમાં તેની સૌથી મોટી વારગેમ છેડી છે. અમેરિકી સંસદનાં સ્પીકર નેન્સી પેલોસીના પ્રવાસ બાદથી યુદ્ધની આશંકા સેવાઈ રહી છે. તાઈવાનને ચીનના ઈરાદાને જાઈ તેની સુરક્ષા માટે અમેરિકી હથિયારોનો લગભગ ૧.૩૪ લાખ કરોડ રૂ.નો ભંડાર એકઠો કરી લીધો છે. તાઈવાને આ તૈયારી ફેબ્રુઆરીમાં રશિયાના યુક્રેન પર હુમલા બાદથી ઝડપી બનાવી હતી.
વાયુસીમાનું ઉલ્લંઘન કરનાર ચીની ફાઈટર જેટથી સુરક્ષા માટે તાઇવાને જુલાઈમાં જ અમેરિકા સાથે ૮૫૫ કરોડ રૂ.ની ડીલ કરી હતી. તાઈવાન પાસે ઘાતક હથિયારો છે જેમાં શેંગ ફેંગ-૩ સુપરસોનિક એન્ટી શિપ મિસાઈલ સામેલ છે. તે તાઈવાનનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. તાઈવાને તેને કિલર વાર કેરિયર શિપ તુઓ શિંગ ક્લાસ પર તહેનાત કરી છે. ૨૦૧૫માં તાઇવાની નેવીમાં સામેલ તુઓ શિંગ પર તહેનાત ૨ હજાર નૌસૈનિકો સતત તાઇવાની જળ સીમામાં પેટ્રોલિંગ કરતા રહે છે.
તાઈવાની નેવીના પૂર્વ એડમિરલ લી સાઈ મિન અને પૂર્વ એડમિરલ એરિક લીએ દાવો કર્યો હતો કે ચીન દાયકાઓથી તાઈવાન પર કબજા કરવાનો ઈરાદો ધરાવે છે. ચીન સાથે મુકાબલો કરવા તાઈવાને ગત ૧૦ વર્ષથી જ સૈન્યને મજબૂત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મિન કહે છે કે ચીન સૌથી પહેલાં મિસાઈલ અટેક કરશે. તેના પછી જ તે પાણીના માર્ગે હુમલો કરવાની રણનીતિ અમલમાં લાવશે. સૌથી છેલ્લે તે સૈન્યને ઉતારશે.