આપણો દેશ કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૩૩થી વધુ રાજ્યો ધરાવતો અને વિશ્વના કોઈ પણ દેશમાં ન હોય એટલા એટલેકે એકસો થી વધુ નાના મોટા રાજકીય પક્ષ ધરાવતો દેશ છે.કેટલાક રાજ્યોમાં એક યા બીજા પ્રાદેશિક કે નાના પક્ષના વર્ચસ્વ વાળા રાજ્યો છે.અમુક રાજ્ય એવા પણ છે જ્યાં સૌથી મોટા અને સૌથી જુના ભાજપ અને કોંગ્રેસને નાના પક્ષની આંગળી પકડી ચાલવું પડે તેવી છે.અમૂકરાજ્યો એવા પણ છે કે જ્યાં આ બે પક્ષમાંથી એકેય છેલ્લા થોડા સમયથી ખાતું પણ ખોલાવી શક્યા નથી.એક કે બે રાજ્યો એવા છે કે જ્યાં વર્ષોથી  બે પ્રાદેશિક પક્ષનું શાસન હોય છે.અને  અને જરૂર પડે મુખ્ય વિરોધ પક્ષની ભૂમિકામાં પણ આ જ પક્ષ હોય છે. કેટલાક રાજ્ય એવા છે કે જ્યાં પ્રાદેશિકની વ્યાખ્યામાં આવતા પક્ષનું લાંબા સમયથી શાસન છે.
     અમુક રાજ્યો એવા પણ છે જ્યાં મોટા અને જૂના રાજકીય પક્ષને ચૂંટણી લડવા માટે નાના પક્ષનો સહારો લેવો પડે છે, એટલું જ નહીં પરંતુ તેને ઘણા કિસ્સામાં મોટાભાઈ પણ બનાવવો પડે છે.તેમજ સત્તા મળે ત્યારે મુખ્યમંત્રી પદ પણ આપવું પડે છે.આવા દાખલા ભૂતકાળમાં પણ જોવા મળ્યા છે અને આજની તારીખમાં પણ જોવા મળે છે.ભૂતકાળમાં તો આવા રાજ્યોની સંખ્યા ઓછી હતી પણ હવે તો વધતી જ જાય છે.બે ત્રણ રાજ્યો એવા પણ છે કે જ્યાં મત મેળવવામા  પણ બે મુખ્ય પક્ષ ત્રીજા,ચોથા કે પાંચમા સ્થાને પણ ધકેલાઈ જતા હોવાના દાખલા પણ જોવા મળ્યા છે અને આજે પણ જોવા મળેછે આ વાતનો કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી.
દેશની દક્ષિણ દિશાના છેવાડે આવેલ રાજ્ય પહેલા મદ્રાસ તરીકે ઓળખાતું હતું.તેનું પાટનગરની ઓળખ પણ એ જ નામની હતી.જો કે રાજ્ય હવે તામિલનાડુ અને તેનું પાટનગર ચેન્નઈ તરીકે ઓળખાય છે.આ તામિલનાડુમાં ૧૯૬૭ સુધી કોંગ્રેસનું એકચક્રી શાસન હતું.પણ ૧૯૬૨માં પ્રથમ વખત તમિલોના સ્વમાનના નારા સાથે રચાયેલો ડી એમ કે એટલે કે દ્રવિડ મૂંનેત્ર કઝગમ સત્તા પર આવ્યો અને સી એન અણ્ણાદુરાઈ પ્રથમ બિન કૉંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.પરંતુ આ પક્ષનું વિભાજન થતા ડી એમ કે અને અન્ના ડી એમ કે એવા બે પક્ષ બન્યા.ત્યારબાદ ત્યાં આજ પક્ષનું શાસન ચાલે છે.અન્ના ડી એમ કે વતી એમ.જી.રામચંદ્રન અને જયલલિતા ત્યારબાદ પલાની સ્વામી મુખ્યમંત્રી બન્યા. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ડી.એમ.કે.ની જીત થતા સ્ટાલિન મુખ્યમંત્રી બન્યા છે.ટૂંકમાં ત્યાં છેલ્લા ૫૪ વર્ષથી કા તો ડી.એમ.કે. અથવા તો અન્ના  ડી. એમ.કે નું રાજ હોય છે.અત્યારે ભાજપ અન્ના ડી.એમ.કે. સાથે છે તો કોંગ્રેસ ડી.એમ.કે સાથે છે.બન્ને મુખ્ય પક્ષ આ બન્ને પક્ષની આંગળી પકડીને પોતાનું અસ્તિત્વ   ટકાવવું પડે છે.આ દક્ષિણના મહત્વના રાજ્યમાંથી બનેલા પોન્ડીચેરીમાં અત્યારે કોંગ્રેસમાંથી અલગ પડેલ સ્થાનિક પક્ષ રંગરાજનની કોંગ્રેસ અને ભાજપની સંયુક્ત સત્તા છે.જો કે ચૂંટાયેલા તમામ બીજેપી ધારાસભ્યો પૂર્વ કોંગ્રેસીઓ છે.
     આમ આ દક્ષિણનું આ રાજ્ય સ્થાનિક  પક્ષના હવાલે  છે. ભાજપ કે કોંગ્રેસને તો આ બે પક્ષની આંગળીએ ચાલવું પડે છે.કદાચ આ એક જ એવું રાજ્ય છે જે લાંબા સમયથી એક યા બીજા પ્રાદેશિક પક્ષના હવાલે છે.
દક્ષિણના બીજા મહત્વના રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેલંગણા છે.આમ તો આ બન્ને રાજ્યોનું મૂળ તો આંધ્રપ્રદેશ છે.સંયુક્ત આંધ્રપ્રદેશ લાંબા સમય સુધી કોંગ્રેસના એક ચક્રી શાસન હેઠળ રહયા બાદ ૧૯૮૧માં ફિલ્મ અભિનેતા એન.ટી. રામરાવની આગેવાની હેઠળના તેલુગુ દેશમ પક્ષની સત્તા હતી.હાલ ત્યાં કોંગ્રેસમાંથી વિખુટા પડેલા અને નવો પક્ષ રચનાર જગનમોહન રેડ્ડીના પક્ષ વાય.આર.એસ. કોંગ્રેસનું શાસન છે.અને તેલુગુ દેશમ મુખ્ય વિપક્ષ છે.કોંગ્રેસ અને ભાજપ માંડ હાજરી પુરાવી શક્યા છે.
આંધ્રમાંથી જેનું સર્જન થયું છે તે તેલંગણાની પ્રથમ ચૂંટણી ૨૦૧૪માં યોજાઈ હતી.તેમાં ચંદ્રશેખર રાવના પક્ષ ટી.આર. એસનો વિજય થયો હતો.જ્યારે કોંગ્રેસ બીજા નંબરે હતી.જો કે ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં પણ આજ પક્ષની બહુમતી આવી હતી.કોંગ્રેસ અને તેલુગુદેશમ સાથે મળી ચૂંટણી લડ્યા હતા છતાંય સફળતા મળી નહોતી.
        આ એક એવું રાજ્ય છે કે જ્યાં એ.આઇ.એમ.એમ ના નેતા  ઓવીસીનું હોમ ગ્રાઉન્ડ છે. હૈદરાબાદની સંસદીય બેઠક તો આ પક્ષ પાસે છે જ પણ ધારાસભાની ત્રણ અને હૈદરાબાદ નગરનીગમની ૪૨ બેઠકો આ પક્ષ પાસે છે.જેના ટેકાથી ત્યાં ટી.આર. એસ રાજ કરે છે. જોકે ત્રણ વર્ષમાં થયેલ પેટા ચૂંટણીમાં ભાજપ બે વખત જીત્યો છે.
કેરળમાં  તો ડાબેરી મોરચો અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ વારા ફરતી સત્તા પર આવે છે, પણ આ ક્રમ લાંબા સમયથી ચાલે છે.જો કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ડાબેરી મોરચો સતત બીજી વાર સત્તા પર આવ્યો છે.આ બન્ને મોરચામાં મુખ્ય પક્ષ કરતા નાના સ્થાનિક પક્ષની સભ્ય સંખ્યા વધારે છે.
        કર્ણાટકમાં પહેલા કોંગ્રેસ પછી સંસ્થા કોંગ્રેસ અને જનતા દળ વિગેરે તેમજ હાલ ભાજપનું શાસન છે.જો કે તે કોંગ્રેસ અને જનતા દળના શાસનનો પક્ષપલટો વધતા અંત આવ્યો છે.
દક્ષિણ બાદ પૂર્વ અને ઈશાન ભારત એવા રાજ્યો છે જ્યાં પ્રાદેશિક પક્ષનો દબદબો છે.આ સંજોગોમાં આવા રાજ્યોમાં સૌથી પહેલું નામ લખવું હોય તો ઓરિસ્સાનું લખી શકાય. કોંગ્રેસમાંથી અલગ પડી બીજુ પટનાયકે બીજુ જનતા દળ એટલે કે બીજેડી ની રચના કરી.
નવીન પટનાયકે પ્રથમવાર તો ભાજપ સાથે જોડાણ કરીને ઓરિસ્સામાં સત્તા મેળવી હતી,પરંતુ ત્યારબાદ યોજાયેલી દરેક ચૂંટણીમાં બીજેડી એ એકલા હાથે સત્તા મેળવી ભાજપ અને કોંગ્રેસ બન્નેને સત્તાથી દૂર રાખ્યા છે.જો કે તેઓ બન્ને  મુખ્ય પક્ષથી સમાન અંતર રાખતા હોવા છતાં મહત્વના ઠરાવો વખતે એન ડી એ ની સાથે જ રહયા છે તે પણ એક હકીકત છે.
    દેશના ત્રીજા નંબરના રાજ્ય ગણાતા પશ્ચિમ બંગાળની તો વાત જ નિરાળી છે.આ સંજોગો વચ્ચે પ્રારંભિક કાળમાં ભલે કોંગ્રેસનું શાસન હોય પણ ૧૯૭૭થી સતત ૩૪ વર્ષ સુધી આઠ કે તેથી વધુ પક્ષના બનેલા ડાબેરી મોરચાનું રાજ હતું.પણ ૨૦૧૧બાદ સતત મમતા બેનરજીના પક્ષ ટીએમસી નું શાસન છે.તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ટીએમસી એ ભારે બહુમતી સાથે ચૂંટણી જીતી છે.દેશનો સૌથી મોટો પક્ષ ભાજપ વિપક્ષે છે.સૌથી જુના પક્ષ કોંગ્રેસ અને લાંબા સમય સુધી શાસન કરનાર ડાબેરી મોરચાનો તો સફાયો થયો છે.ટીએમસી હવે પોતાનો વ્યાપ વધારી રહી છે.
ઈશાન ભારતના મોટા ભાગના રાજ્યોમાં એક યા બીજી રીતે પ્રાદેશિક પક્ષની બોલબાલા છે.આસામમાં  કોંગ્રેસની સતત ત્રણ ટર્મ બાદ ૨૦૧૬માં ભાજપનું શાસન હતું જે આજે પણ ચાલુ છે.આ આસામમાં વિદ્યાર્થી આંદોલનમાંથી જન્મેલ આસામ ગણ પરિષદનું રાજ હતું.જો કે આ શાસન બહુ લાબું ચાલ્યું નહોતું. જ્યારે ઈશાન ભારતના અન્ય રાજ્યોમાં ભાજપ કે તેની સાથે સંકળાયેલા નાના પક્ષ કે તેના સમુહનું રાજ છે.
     જ્યારે એની નજીક આવેલા  ત્રિપુરામાં ૨૫ વર્ષ કરતા વધુ સમય સુધી ડાબેરી મોરચાનું શાસન રહયા બાદ ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી.વર્ષો સુધી મુખ્ય વિપક્ષ તરીકે ફરજ બજાવનાર કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ છે.આ વખતે કદાચ તૃણમૂલ કોંગ્રેસ પણ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરે તેવી શકયતા છે.
વસ્તીની દ્રષ્ટિએ અને વિધાનસભા બેઠકોની દ્રષ્ટિએ મોટા ગણાતા બિહારમાં લાંબા સમયથી પોતાનું મુખ્યમંત્રી પદ ટકાવ્યું છે.તેઓ ભાજપના ટેકાથી ગાદી પર બેઠા.૨૦૧૫માં કોંગ્રેસ અને રાજદ સાથે ગઠબંધન કરી સત્તા મેળવી અને પછી તેનો સાથ પણ છોડી દીધો.આજે તેમનો પક્ષ જનતા દળ (યુ) પાસે ભાજપ કરતા ઓછી બેઠકો હોવા છતાં સત્તા પર છે. આ પહેલા ત્યાં લાલુ પ્રસાદ યાદવનો પક્ષ રાજદ પણ લાંબો સમય  સત્તા પર હતો.આ પહેલા કોંગ્રેસ પણ ત્યાં વારંવાર સત્તા ભોગવી ચુકી છે.સંયુક્ત વિધાયક દળના જમાનામાં સંયુક્ત સમાજવાદી પક્ષના કર્પુરી ઠાકુરને મુખ્યમંત્રી પદ બનવાનો લાભ મળી ગયો છે.પણ ભાજપ હજી રાહમાં જ છે.
      પશ્ચિમના મોટા અને દેશમાં બીજા નંબરના ગણાતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્યમંત્રીઓની લાંબી લાઇન આવી ગઈ છે.શરદ પવારે બિન  કૉંગ્રેસી પક્ષનું નેતૃત્વ સ્વીકારી તેમજ કૉંગ્રેસી મુખ્યમંત્રી તરીકે પણ હોદો ભોગવ્યો છે.શિવસેના કે જે મહારાષ્ટ્ર નો મુખ્ય પક્ષ ગણાય છે તેને એકવખત ભાજપ સાથેની મિશ્ર સરકારમાં મુખ્યમંત્રી પદ મળી ચૂક્યું છે. અત્યારે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે શરદ પવારના પક્ષ એન સી પી અને કોંગ્રેસના સહારે સરકાર ચલાવે છે.જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડનવીસ શિવસેનાના સહારે પુરા પાંચ વર્ષ સરકાર ચલાવી ચૂક્યા છે.
           નજીકના ગોવામાં ભાજપને બે વખત ગઠબંધન સરકાર ચલાવવાની તક મળી છે.કોંગ્રેસને પણ બે વખત આવો લાભ મળ્યો છે.ગોવામાં ૬૫ બાદ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે મુખ્યમંત્રીઓ દયાનંદ બાંદોડકર અને તેમના પુત્રી શશીકલા કાકોડકરે સત્તા ભોગવી છે.ટૂંકમાં ગોવામાં સ્થાનિક પક્ષ ભૂતકાળની જેમ કિંગ ભલે ન બની શકતા હોય પણ કિંગમેકર તો અવશ્ય બની શકે છે.
જ્યારે ગુજરાત,મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના આઠથી વધુ રાજ્યો એવા છે કે જ્યાં બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાયો છે અને ભવિષ્યમાં પણ આ જ સ્થિતિ રહેવાની છે.આ રાજ્યોમાં સ્થાનિક પક્ષ રચાય છે ખરો પણ તે અલ્પજીવી જ હોય છે.ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચાલ્યો જ નથી.મોટે ભાગે તો આવા પક્ષનું બાળ મરણ જ થયું છે.
      પાટનગર એટલેકે આપણા દેશની રાજધાની દિલ્હી વર્ષોથી કેન્દ્ર શસિત પ્રદેશ જ છે.કેન્દ્રમાં આવેલી કોઈ સરકારે દિલ્હીને પૂર્ણકક્ષાના રાજ્યનો દરજ્જો  આપવાની તકલીફ લીધી જ નથી.આ પ્રકારના ઠરાવો ભલે દિલ્હી વિધાનસભામાં થયા હોય પણ તે દિલ્હી સચિવાલયમાજ રહ્યા છે. કેન્દ્ર સરકારે દરકાર કરી નથી.અત્યારે દિલ્હીમાં ૨૦૧૫ થી આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની સરકાર છે.જો કે દિલ્હીના ત્રણેય નગરનીગમોમાં ભાજપની સત્તા છે. તો  લોકસભાની તમામ બેઠકો ભાજપ પાસે છે.આ સ્થાનિક પક્ષ પંજાબમાં ઘુસી ચુક્યો છે.ગોવા ગુજરાત સહિત ના રાજ્યો હવે પછીના તેના લક્ષાંક છે.
      જ્યારે પાકિસ્તાન જેના માત્ર હવાતિયાં મારે છે તે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસે થોડા સમય માટે ભૂતકાળમાં  સત્તા ભોગવી છે.બાકી લાંબા સમય સુધી  નેશનલ કોંફરન્સ નામના પક્ષે જ રાજ કર્યું છે.૨૦૧૪ બાદ બીજો સ્થાનિક પક્ષ પીડીપી ભાજપના ટેકા અને ભાગીદારીથી સત્તા પર આવ્યો હતો.તેના માઠા ફળ હજી આ વિસ્તાર અને દેશ ભોગવે છે.
       આમ ભારતમાં દ્વિપક્ષીય નહિ પણ બહુપક્ષીય લોકશાહી છે.અને ઘણા એટલેકે કોઈના ટેકાથી કે ટેકા વગર પ્રાદેશિક પક્ષ સત્તા ભોગવે છે .કેટલાક રાજ્યોમાં તો શાસક અને મુખ્ય વિપક્ષ એ બન્ને ભૂમિકા પ્રાદેશિક પક્ષ ભોગવે છે.જ્યારે મુખ્ય બે પક્ષ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય તેવી સ્થિતિ છે.