ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ૧૩ ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં તેની ખાસ સામાન્ય સભા દરમિયાન ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દેશની બિડને ઔપચારિક રીતે મંજૂરી આપી દીધી છે. ભારતે ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન શહેર તરીકે નોમિનેટ કર્યું છે. જોકે, ભારતે ૩૧ ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં અંતિમ બિડ માટે દરખાસ્તો સબમિટ કરવાની રહેશે.

કેનેડા રેસમાંથી બહાર થઈ ગયા પછી ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતની શક્્યતાઓ વધી ગઈ છે. કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની એક ટીમ તાજેતરમાં અમદાવાદની મુલાકાત લઈને સ્થળોનું નિરીક્ષણ કરવા અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે પહોંચી હતી. કોમનવેલ્થ ગેમ્સનું પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં અમદાવાદ પહોંચવાની અપેક્ષા છે. આ પછી અંતિમ નિર્ણય નવેમ્બરમાં લેવામાં આવી શકે છે.

કોનવેલ્થ ગેમ્સની જનરલ એસેમ્બલી નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગ્લાસગોમાં યજમાન દેશનો નિર્ણય લેશે. આ પછી જ નક્કી થશે કે ભારત ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે કે કોઈ અન્ય દેશને આ મેગા ઇવેન્ટનું આયોજન મળશે. જા ભારતને યજમાનપદ મળે છે, તો આ રમતોનું આયોજન બીજી વખત ભારતમાં કરવામાં આવશે.

ભારતે અગાઉ ૨૦૧૦માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું. ભારત ૨૦ વર્ષ પછી ફરીથી આ રમતોનું આયોજન કરી શકે છે. અમદાવાદના સરદાર પટેલ સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે લગભગ દરેક રમત માટે મેદાન અને કોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઘણી રમતો માટે સુવિધાઓ પણ તૈયાર છે. આગામી સમયમાં ભારત ઓલિમ્પિકની યજમાની માટે પણ દાવો કરવા જઈ રહ્યું છે.