“પણ બેટા, એણે મારી થોડી રાહ જાઇ હોત તો… હું તેને સમજાવત, તેના કુટુંબના સભ્યોને અને જ્યોતિને હાથે – પગે લાગત, મનાવત, ખૂબ ખૂબ આજીજી કરત અને કરગરીને કહેત કે, દીકરી… તું મારા માટે રોકાઇ જા, એને સમજાવત તો આવી ઘડી ન આવત. મને તો ગળા સુધીનો ભરોસો છે કે એ મારૂં માનત પણ ખરી. પણ હવે શું થાય ? તને ખબર છે ? હું તો તારા લગન એની સાથે જ થશે એવું મોનમોન માનતી હતી. પણ હવે તો મારો ઠાકર જ રિસાયો છે એટલે મારે કરવું પણ શું… ?”
“બા…., હવે તો જ્યોતિને આપણે ભૂલી જવી પડશે. એને ભૂલવી એ આપણો ધર્મ ગણાશે. એ તો એક મહેમાનની જેમ આવી, મહેમાનગતી માણી લઇ તે પાછી જતી રહી. આપણે તેને આપણી હેસિયત પ્રમાણે માનથી સાચવી લીધી પરંતુ દુઃખ તો એ વાતનું થાય છે કે, તેના સ્વભાવ પ્રમાણે પાંચ મહિનામાં આપણને મોહ પમાડી ગઇ. એટલે તો આપણને વધારે દુઃખ થાય છે. પાંચ મહિના રહીને એ હંમેશ માટે જતી રહી. આપણને સુવાળું અને લાગણીભર્યું સુંદર સપનું આવ્યું એમ સમજીએ. પછી આંખ ઉઘડતા બધું જ અલોપ બસ… હવે એને ભૂલી જવામાં આપણું પણ ભલુ જ સમજવું રહ્યું. ”: દામલ સાવ ધીમે ધીમે બોલ્યો.
“પરંતુ બેટા, હવે આપણે બેઉં શું કરશું ? મને તો તારી જ ચિંતા થાય છે. કયાંક…”
“બા, આમાં તમારે મારી ચિંતા કરવાની ન હોય. ઉપરવાળો તો આપણી સાથે જ છે ને….” દામલ બોલ્યો. એ સાથે તો તેની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ ખરવા લાગ્યાં…
સમય બળવાન છે. કહે છે કે, સાચો પ્રેમ…. પ્રથમવારના પ્રેમમાં ભંગાણ થાય તો તે પ્રેમ માણસને પાગલ બનાવી દે છે. દામલની હાલત પાગલ જેવી હજી થઇ ન હતી પરંતુ પાગલથી પણ બદતર હાલત તો તેની મનોદશાની થઇ ગઇ હતી. કારણ કે તે અતિશય લાગણીશીલ અને વધુ પડતો શરમાળ હતો. આના લીધે તે હવે અર્ધપાગલ જેવો થઇ ગયો હતો.
જ્યોતિ ચાલી ગઇ તે વાતને હજી તો બે જ દિવસ પસાર થયા હતા. અને ત્રીજા દિવસે તો દામાની તબિયત ખૂબ ખરાબ થઇ ગઈ. સમી સાંજના તેને ભયંકર તાવ આવ્યો. સાવ સાદી ભાષામાં કહીએ તો તાવ તેના મગજમાં ચડી ગયો હતો. તાવમાં તપી જઇને તે ન સમજાય તેવું બોલવા પણ લાગેલો. એટલે કે તેને બકવાસ ઊપડી ગયો હતો. ન સમજાય તેવા લવારા તે વારંવાર કરવા લાગ્યો. આવું થતાં સમજુબા રડ્યાં, ખૂબ રડ્યાં, સાથે સાથે તેઓ ડરી પણ ગયાં. હવે શું કરવું ? રાત થવામાં હતી એટલે પછી તેઓ ઝડપથી ચાલ્યાં ને શેરીમાં – બાજુમાં રહેતાં નંદુમાને બોલાવી લાવ્યાં. નંદુમાએ દામાની હાલત જાઇ, તેઓ પણ થોડાં ગભરાયાં છતાં તેમણે કહ્યું ઃ
“ સમજુ, તું ચિંતા ન કર. દામનો કઇ નહીં થાય, તું જા, એક તપેલીમાં ગરમ પાણી અને બીજી તપેલીમાં ઠંડુ પાણી લઇ આવ, ગરમ પાણીમાં થોડું મીઠું નાખી દામાના કપાળ પર વારાફરતી પોતાં મૂકીશું એટલે તાવ તરત ઉતરી જશે…”
સમજુબા તરત રસોડા તરફ ચાલ્યાં, બધી સામગ્રી તૈયાર કરી ઝડપથી પાછાં આવ્યાં. નંદુમા અને બાએ ભેગાં મળી દામાના કપાળ પર પોતાં મુકવાનું શરૂ કર્યું. લગભગ અર્ધા કલાકમાં તો દામાનું શરીર ઠંડુ પડયું, તાવ ઉતરી ગયો. હવે તેને ઘણી રાહત થઇ હતી. પરંતુ દીકરો બીમાર હોય તો એક મા… ને ચિંતા તો થાય જ ને !
રાતના અગિયાર થવાને હજી થોડી વાર હતી. એવે ટાણે ઘરની ઠાલી દીધેલી ડેલી ખૂલવાનો અવાજ આવતા બા… થડકી ગયાં. તેમને થયું કે … અત્યારે મોડી રાતના કોણ આવ્યું હશે…?
ત્યાં તો આવનાર વ્યક્તિ સીધા જ ઓસરીના પગથિયાં ચડી જરા મોટા અવાજે બોલી: “બા… એ બા…, દામો કયાં…?”
“હાંફળા ફાફળા થતાં બા… નો શ્વાસ માંડ હેઠો બેઠો કારણ કે તેઓ અવાજ ઓળખી ગયાં હતા. એટલે રૂમમાંથી બહાર નીકળતાં સાથે બોલ્યાં: “આવ, દીકરા રણમલ ! અંદર આવી જા. સારૂં થયું તું આવ્યો તે, જો ને આ તારા દોસ્તારને મજા કયાં છે. સખત તાવ આવ્યો છે, અમે પોતા મૂકીએ છીએ. હવે તાર થોડો ઉતર્યો છે…” (ક્રમશઃ)