બોમ્બે હાઈકોર્ટે ભૂતપૂર્વ સેલિબ્રિટી મેનેજર દિશા સલિયનના મૃત્યુમાં પોલીસ તપાસમાં વિલંબ પર પ્રશ્ન ઉઠાવ્યો છે. કોર્ટે પૂછ્યું, “પોલીસ તપાસમાં આટલો સમય કેમ લાગી રહ્યો છે?” જૂન ૨૦૨૦ માં, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર સલિયનનું મલાડમાં એક ઇમારતના ૧૪મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું. પોલીસે આ કેસના સંદર્ભમાં અકસ્માત મૃત્યુ કેસ નોંધ્યો હતો. કોર્ટ સાલિયનના પિતા સતીશ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી છે.
સોમવારે, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ અરજીની સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, સરકારી વકીલ માનકુવર દેશમુખે જણાવ્યું હતું કે, “તપાસ ચાલુ છે. ઇલેક્ટ્રોનિક પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. બે અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.” ત્યારબાદ બેન્ચે પૂછ્યું, “તપાસમાં વિલંબ કેમ થઈ રહ્યો છે?”
સરકારી વકીલ તરફથી જવાબ મળ્યા પછી, બેન્ચે અરજી પરની સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખી. અરજીમાં, પિતાએ તેમની પુત્રીના રહસ્યમય મૃત્યુની સીબીઆઇ તપાસની માંગ કરી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની પુત્રી પર બળાત્કાર બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. કેટલાક પ્રભાવશાળી વ્યક્તિઓને બચાવવા માટે રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે ફક્ત તપાસને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મુંબઈ પોલીસે ફોરેન્સીક પુરાવા, પરિસ્થિતિગત પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓની જુબાનીને ધ્યાનમાં લીધા વિના, ઉતાવળમાં કેસ બંધ કરી દીધો, તેને આત્મહત્યા અથવા આકસ્મિક મૃત્યુ ગણાવ્યો. અરજીમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર નોંધવા માટે નિર્દેશ માંગવામાં આવ્યો છે. ઠાકરેએ પણ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. તેમણે કોર્ટમાં હસ્તક્ષેપ અરજી પણ દાખલ કરી છે.










































