રાજકોટમાંથી એક મહત્વની ખબર સામે આવી રહી છે. રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. રાજકોટ રેન્જના પાંચેય જિલ્લાઓ , રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરને એલર્ટ પર મૂકાયા છે. રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે ઝી ૨૪ કલાક સાથે કરેલ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી ન થાય તે માટે દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે દરેક વિસ્તારમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ તેજ બનાવાઈ છે.રાજ્યમાં તાજેતરમાં જ ત્રણ આતંકીઓની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ થઈ છે અને એ માટે રેન્જના તમામ જિલ્લાઓમાં ચેકિંગ સાથે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લોકોમાં અપીલ કરી છે કે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ કે વાહન નજરે પડે તો તરત જ સ્થાનિક પોલીસને જાણ કરવી.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય મહાનગરોમાં જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. ખાસ કરીને શંકાસ્પદ વાહનોની તપાસ અને નાકાબંધી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સૌથી વધુ સંવેદનશીલ ગણાતા ગુજરાતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, અને અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવતા હોવાથી, પોલીસ અને સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ધાર્મિક પરિસરોની આસપાસ સાદા વેશમાં પોલીસ કર્મચારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. હાલમાં ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ જાખમ લેવા માંગતી નથી અને શાંતિ તથા સલામતી જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ હવે રાજકોટ પોલીસે પણ એક્શન મોડ અપનાવ્યો છે.શહેરની તમામ બ્રાન્ચો અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર મૂકવામાં આવી છે જીઆરપી અને આરપીએફની ટીમોએ રાજકોટ રેલવે સ્ટેશન પર તાત્કાલિક ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી છે.ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદથી મુસાફરોના લગેજ, વાહનો અને પાર્સલ વિભાગમાં મોકલાતા સામાનનું કડક સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન ઉપરાંત બસ પોર્ટ અને એરપોર્ટ પર પણ હાઈ સિક્યુરિટી ગોઠવાઈ છે. રાજકોટથી અવરજવર કરતી તમામ ટ્રેનોમાં ચેકિંગ અભિયાન તેજ બનાવાયું છે.સુરક્ષા એજન્સીઓ ચોવીસે કલાક મોનીટરીંગમાં લાગી ગઈ છે જેથી શહેરમાં કોઈ અણધાર્યો બનાવ ન બને.દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય જાહેર સ્થળો, ખાસ કરીને વલસાડ એસ.ટી. ડેપો અને રેલવે સ્ટેશન ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ સ્થળો પર પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે અને આવતા-જતા તમામ મુસાફરો પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મુસાફરોના સામાન, બેગ અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરવાની સાથે તેમના જરૂરી ઓળખ પુરાવાઓ પણ તપાસવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે કે, જા કોઈ પણ નાગરિકને કોઈ શંકાસ્પદ વસ્તુ બિનવારસી હાલતમાં દેખાય અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય, તો ગભરાયા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી. દેશની રાજધાની દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટના પગલે, ગુજરાતનું પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ મહાદેવ મંદિર હાઇ એલર્ટ પર મુકાયું છે. સમગ્ર પરિસરમાં સુરક્ષા એજન્સીઓનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભક્તોની સુરક્ષા માટે મંદિરને જાણે અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.સોમનાથ મંદિરની સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સતત ચકાસણી કરી રહી છે. આ હાઇ એલર્ટ સૂચવે છે કે દિલ્હીમાં બનેલી ઘટના બાદ ગુજરાત પોલીસ રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈને અત્યંત ગંભીર છે અને આતંકવાદી ગતિવિધિઓને ડામવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.







































