દિલ્હીના શાલીમાર બાગમાં શનિવારે એક મહિલાની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે આ ઘટના તેના પતિના લાંબા સમયથી ચાલી રહેલા હત્યા કેસ સાથે જાડાયેલી હોઈ શકે છે, જેમાં કેટલાક આરોપીઓ હજુ પણ ફરાર છે. ડીસીપી ભીષ્મ સિંહે જણાવ્યું હતું કે આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે, અમને પીસીઆર કોલ મળ્યો જેમાં અમને જાણ કરવામાં આવી હતી કે શાલીમાર બાગમાં રહેતી રચના યાદવ નામની મહિલાને ગોળી વાગી છે. મહિલાનું મોત પાડોશીના ઘરેથી પરત ફરતી વખતે થયું હતું. કોઈએ તેના માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ડીસીપીએ કહ્યું કે આ કેસની પૃષ્ઠભૂમિ બાલસુઆ ગામ સાથે જાડાયેલી છે. તે તે જ ગામની રહેવાસી હતી અને તેના પતિ વિજેન્દ્ર યાદવની હત્યા થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે મહિલાના પતિની હત્યા ૨૦૨૨ કે ૨૦૨૩માં થઈ હતી. અમે હાલમાં આ કેસ વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ. તે બાલસુઆ ગામમાં વ્યક્તિગત દુશ્મનાવટ અથવા કૌટુંબિક વિવાદ સાથે સંબંધિત હોવાનું જણાય છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકની ઓળખ રચના યાદવ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા સતત તેના પતિની હત્યા વિશે માહિતી માંગી રહી હતી અને ન્યાય માટે પ્રયત્નશીલ હતી. તેમણે કહ્યું કે મહિલાના પતિની હત્યામાં નામ આપવામાં આવેલા કેટલાક શંકાસ્પદો હજુ પણ ફરાર છે અને રચનાની હત્યામાં મુખ્ય શંકાસ્પદ માનવામાં આવે છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને સ્થાનિક રહેવાસીઓની પૂછપરછ કરી રહી છે.








































