જાહેર બાંધકામ વિભાગે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના સરકારી નિવાસસ્થાનના કાયાકલ્પ માટે ૬૦ લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડર બંગલા નંબર ૧ ના નવીનીકરણ માટે છે, જે મુખ્યમંત્રીને ફાળવવામાં આવેલા બે બંગલામાંથી એક છે, જેમાં મુખ્યમંત્રી રહેશે. બીજા બંગલાનો ઉપયોગ કેમ્પ ઓફિસ તરીકે કરવામાં આવશે. આ નવીનીકરણ મુખ્યત્વે ઇલેક્ટ્રીકલ સંબંધિત કાર્યો પર કેન્દ્રિત છે, જેમાં ઘણા હાઇ-ટેક ઉપકરણો અને વૈભવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.
ટેન્ડરની વિગતો અનુસાર, મુખ્યમંત્રીના બંગલામાં અત્યાધુનિક સુવિધાઓ હશે. ૫.૭૪ લાખ રૂપિયાના ખર્ચે ૧૪ સીસીટીવી કેમેરા અને ૨ લાખ રૂપિયાની યુપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે. નિવાસસ્થાનને વધુ આધુનિક બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ લગાવવામાં આવશે.
૯.૩ લાખ રૂપિયાના ખર્ચે પાંચ ટેલિવિઝન સેટ લગાવવામાં આવશે. ૭.૭ લાખ રૂપિયામાં ૧૪ એર કંડિશનર (એસી) લગાવવામાં આવશે.૧.૮ લાખ રૂપિયામાં રિમોટ કંટ્રોલવાળા ૨૩ સીલિંગ ફેન લગાવવામાં આવશે. ૮૫ હજાર રૂપિયાની કિંમતનું ઓટીજી (ઓવન ટોસ્ટ ગ્રીલ) પણ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી ગૃહમાં ૭૭ હજાર રૂપિયાની કિંમતનું ઓટોમેટિક વોશિંગ મશીન હશે. રસોડામાં ૬૦ હજાર રૂપિયાનું ડીશવોશર અને ૬૩ હજાર રૂપિયાનો ગેસ સ્ટોવ પણ હશે. ૩૨ હજાર રૂપિયાનો માઇક્રોવેવ અને ૯૧ હજાર રૂપિયાના છ ગીઝર પણ લગાવવામાં આવશે. બંગલાની લાઇટિંગ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેના માટે ૬,૦૩,૯૩૯ ના ખર્ચે ૧૧૫ લેમ્પ, વોલ લાઇટર, હેંગિંગ લાઇટ અને ત્રણ મોટા ઝુમ્મર લગાવવામાં આવશે.
આ ટેન્ડર ૪ જુલાઈના રોજ ખુલશે અને ૬૦ દિવસમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હાલમાં, મુખ્યમંત્રી રેખા ગુપ્તા શાલીમાર બાગમાં તેમના ખાનગી નિવાસસ્થાનમાં રહે છે. તેમને ટાઇપ-૭ કેટેગરીનો બંગલો ફાળવવામાં આવ્યો છે. અગાઉ, ભાજપે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપના મુખ્યમંત્રી ૬ ફ્લેગસ્ટાફ બંગલામાં રહેશે નહીં, જ્યાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી તરીકે રહેતા હતા.