(ગતાંકથી આગળ)
કાશી પણ હવે ધારાને કામમાં રોકટોક કરવા લાગી. વ્યક્તિને વારંવાર ટોકવાથી ઉત્સાહ ઓસરતો જાય છે અને કામ હાથમાંથી પડતું જાય છે. હવે કાશી પ્રત્યે ધારાને અણગમો આવ્યો. મનોમન વિચાર્યુુ સાસુમા તો પગ ઉપર પગ ચડાવી બેઠા રહે છે. કાઇ કામ તો કરતાં નથી અને મારા પર લૂલી હાંકી બધુ કામ મારા પર ઢોળી દે છે. રસોઇ બનાવવી, કપડા ધોવા, પાણી ભરવા જવુ, ભેંસને ખાણ નીરી દોહવી, છાણ વાસીદુ કરવુ, બપોરે વાડીએ ભાત દેવા જવુ. આમ, આખો દિવસ ગધ્ધા – વૈતરૂં કરવાથી બપોરે ઘડીકેય આરામ મળતો નથી. આ કરતાં નોખુ થવું સાત દરજ્જે સારૂ.
એક દિવસ ધારા કૂવે પાણી ભરવા ગઇ. કૂવો ચર્ચા, ખણખોદ અને દુઃખ ઓકવાનું સ્થાન છે. એકબીજી સ્ત્રીઓ સાસુ – નણંદ પરિવારનું વાકું બોલે છે. એકબીજીની નીંદા – કુથલી અહિં કૂવે થાય છે. એક પડોશણ પાસે કામનો બોજ અને ઢસરડાની વાત નીકળતા સંભળાવ્યું ઃ “મૂઇ !!! મારે પણ તારા જેવી જ તકલીફ હતી. જાને હવે હુ નોખી થઇ તેમાં નરવાઇ આવતા બ્લાઉઝની બાંયો પણ સાંકડી લાગે છે.” આમ પેલી સ્ત્રી પાસેથી પ્રેરણા લઇ ધારા ઘેર આવી.
સાસુને વગર પૂછયે બાજુના રૂમમાં પ્રાયમસ પેટાવી મગનું શાક, લાપસી વગેરેની રસોઇ બનાવી. ધર્મેશને નોખા થયાની ગંધ આવી ગઇ. “રસોઇ તૈયાર છે તમે જલદી નાહી લો મને ખૂબ ભૂખ લાગી છે.” ધારાએ ઉધ્ધતાઇથી કહ્યું.
પતિ પહેલાં પત્ની જમી લે તે આપણી ભારતીય સંસ્કૃતિ નથી છતાં ખીજમાં ધારાએ પતિ પહેલાં જમી લીધું.
બાર – એક વાગ્યે કાશીનો નાનો દીકરો ધવલ ઘેર આવ્યો. કાશીએ થાળી તૈયાર કરી જમવા કહ્યું. “કેમ મોટા ભાઇને નથી જમવું ?”
દરરોજ તો સાથે જમીએ છીએ… “ઇ તો જુદા થયા છે.” “શું ભાભીએ નોખી રસોઇ બનાવી ?” “હા… હવેથી તે જુદા રહી એનું કામ ઇ કરશે” કાશીએ ધવલને સમજાવતા કહ્યું.
ધારાને જુદા થયાને બે – ચાર વરસ વીતી ગયા. અંતે કાશીને તો કામનો ઢસરડો રહ્યો જ. ધર્મેશ સીમનું બધુ કામ કરતો તલીના ઊભડા કરવા, ઢોર માટે લીલુ વાઢી ગાડીમાં ઘેર લાવવુ, રીંગણા, ગુવાર, ભીંડો, દુધિયા વગેરે ઉતારી માર્કેટમાં હરરાજીમાં મૂકવા. મોલાતમાં પાણી પાવા વગેરે તમામ ખેતી ધર્મેશ કરતો.
સમય જતાં ધર્મેશને ત્યાં બે બાળકો થયા નાની દિયા એક વરસની થઈ. એમાં કુદરતને કરવું છે ને ધર્મેશને જીર્ણ જવર લાગુ પડયો. ચિંતામાં શરીર પાછુ પડતું ગયું. ઘણી દવા – ઓસડિયા કરવા છતાં તબિયતમાં ઉલટાની વિપરીત અસર થવા લાગી. એક સમય એવો આવ્યો કે ધર્મેશને કાળ ભરખી ગયો. ધારા નિરાધાર થઇ ગઇ. ઘરનો મોભી જતાં ઘર ભાંગી પડયું. દુઃખના વાદળોથી ધારા ઘેરાવા લાગી. જૂદા થયા એટલે સાસુનો સહારો પણ ન મળે, નણંદ દિયરને ભીંસ દઇને કામ પણ ન ચીંધાય.
પંદર વીસ દિવસ તો ધર્મેશ પાછળ શોકમાં દિવસો ઘરમાં વિતાવ્યા. વાડી – ખેતરે શાક – બકાલુ ભેળાવા લાગ્યું. ટાઇમે ન ઉતારતાં બકાલુ પાકવા લાગ્યું. એક દિવસ બે સંતાનો સાથે ધારા વાડીએ બકાલુ ઉતારવા ગઇ. નાની દીયાને શેઢે ઘાસ પાંદડા પાથરી સુવારી ભઇલાને તેની દેખરેખ રાખવા પાસે બેસાડયો. થોડું બકાલુ ઉતાર્યું ત્યાં નાની દીયા રડવા લાગી. બકાલુ ઊતારવાનું પડતુ મુકી ધારાએ દીયા પાસે આવી પડખુ દીધુ ત્યાં કાશી આવી અને કહ્યું ઃ “મને કીધું હોત તો અમે શાક બકાલુ ન ઉતારી દેત ?” ધારા શરમીંદી બની પણ જૂદા રહેતા હોવાથી બકાલુ ઉતારવાનું કામ ચીંધતા જીભ કેમ ઉપડે !
ધવલ હવે મોટો થયો સગા – સંબધીઓના બહારગામથી તેના વેવિશાળ માટે ઘણા સમાચાર આવતા પરંતુ સારુ- નરસુ ગણી ધવલ નકારતો. અંતે કાશીએ કહ્યું , “મે તારા માટે કન્યા શોધી રાખી છે.” “કોણ છે ? તે તો મને કહે મારી માવડી.” ધવલ કન્યા જાણવા અધીરો થયો. “બીજુ કોઇ નહીં એ તો તારી ભાભી ધારા !” “એમ લગ્ન થાય ?” “હા બેટા, આપણામાં રિવાજ છે કે દિયર ભાભી સાથે લગ્ન કરી શકે.” અંતે ધારાની સંમતિ મળી. તન – મનથી વેગળી ધારાને સહારો મળ્યો અને દિયર ભાભી પતિ – પત્નીના નાતે લગ્નગ્રંથીથી જાડાયા. બન્ને પાત્રોની મનોકામના પૂર્ણ થઇ. ધવલને જીવનસંગીની મળી અને ધારાને કાયમનો ઓથ મળ્યો.