દાહોદ જિલ્લામાં ફરીથી ભ્રષ્ટાચારનું ભૂત ધણધણ્યું છે. શિક્ષણ શાખામાં વ્યાપક પાયા પર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યુ છે. તેમા પણ સંજેલી તાલુકાની શિક્ષણ શાખા તો જાણે ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ છે. શૈક્ષણિક મહાસંઘના તાલુકા પ્રમુખે આ અંગે મોટા આક્ષેપ કર્યા છે. શૈક્ષણિક મહાસંઘના તાલુકા પ્રમુખ મુકેશ રાઠેડો સંજેલી શિક્ષણ શાખા પર વ્યાપક પાયા પરના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.
તેમનો દાવો છે કે સંજેલી શિક્ષણ શાખામાં રૂપિયા વગર કોઈ કામ થતું નથી. નોડલ ઓફિસર પણ ભ્રષ્ટાચારથી ખદબદ છે. સર્વિસ બુકથી લઈને નિવૃત્તિ ફાઇલ સુધી બધા જ કામ રૂપિયાથી થાય છે. દરેક ટેબલ પર પાંચથી ૭૦ હજાર રૂપિયાની માંગ કરવામાં આવી છે. લેખિત ફરિયાદ છતાં ટીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી નથી. મુકેશ રાઠોડે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગ કરી છે. આક્ષેપોને લઈને શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે.
દાહોદમાં ભ્રષ્ટાચાર કંઈ નવી વાત નથી. ઉલ્લેખનીય છે કે દાહોદમાં મનરેગા કૌભાંડમાં વ્યાપક ભ્રષ્ટાચાર મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પણ આક્ષેપ કર્યા છે. તેમણે એક વીડિયોમાં જણાવ્યું છે કે મનરેગા યોજનામાં થતાં કૌભાંડની કોંગ્રેસે વિધાનસભામાં અનેક લેખિત અને મૌખિકમાં રજુઆતો કરી છે. ત્યારે આજે સરકાર જાગી છે. જવાબદાર કર્મચારીઓ અને એજન્સીએ કામ ન કરતા તેમની સામે કાર્યવાહી કરવા અનેક રજુઆતો પણ કરવામાં આવી હતી. તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટાંકીને કહ્યું કે, ઓપરેશન ગંગાજળ હેઠળ સફાયો કરો છો તો પહેલા રાજ્યનાં મંત્રીમંડળથી કરવી જોઈએ.
દાહોદમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલ મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડમાં ૫ કર્મીઓની પણ ધરપકડ થઈ છે, તેમજ રાજ્યનાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે, તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કિરણ પટેલની શોધખોળ કરી રહી છે.