ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને દારૂ સંતાડતા હોય છે, પરંતુ ગીરસોમનાથ પોલીસની સતર્કતા સામે બુટલેગરની આવી જ એક ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે. ઉના તાલુકાના મોટાડેસર ગામમાં પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને ટાઈલ્સ નીચે બનાવેલા ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ઉના પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટાડેસર ગામમાં એક શખ્સ પોતાના મકાનમાં દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસને કંઈ ખાસ હાથ લાગ્યું નહોતું, પરંતુ મકાનની ઓસરીમાં લગાવેલી ટાઈલ્સ પર શંકા જતાં તેની જીવવટભરી તપાસ કરવામાં આવી હતી.
પોલીસે જ્યારે ઓસરીની અમુક ટાઈલ્સ હટાવી, ત્યારે તેની નીચે એક ભેદી ગુપ્ત ખાનું (ચોરખાનું) મળી આવ્યું હતું. આ ખાનાને એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે સામાન્ય નજરે કોઈને ખ્યાલ પણ ન આવે. આ ખાનામાં તપાસ કરતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૫૫ બોટલો અને ૧૦ બીયર ટીન મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૨૩,૭૫૦ની કિંમતનો દારૂ અને બીયર તેમજ રૂપિયા ૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૨૮,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગર દ્વારા દારૂ છુપાવવા માટે અપનાવવામાં આવેલી આ પદ્ધતિ જાઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. હાલ ઉના પોલીસે આ દારૂ ક્્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.










































