ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં દારૂની હેરાફેરીના કેસો સતત વધી રહ્યા છે, પરંતુ તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડી પાડાયેલા બે કન્ટેનરની કાર્યવાહીથી એક મોટું નેટવર્ક બહાર આવ્યું છે. આ નેટવર્કની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, દારૂની હેરાફેરી ટ્રેન મારફતે કરવામાં આવી રહી હતી અને તે પણ સુવ્યવસ્થિત રીતે.
અહેવાલો અનુસાર કચ્છના કેરા ગામના કુખ્યાત બૂટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી મુંદરા પોર્ટ સુધી દારૂ મોકલવા માટે ટ્રેન માર્ગનો ઉપયોગ શરૂ કર્યો હતો. કન્ટેનરો દેશના અંદરની ચીજવસ્તુની હેરાફેરીના બહાને મોકલવામાં આવતા હોવાથી ડોમેસ્ટિક કન્ટેનરોની સામાન્ય રીતે તપાસ થતી નથી, જેનાથી નેટવર્કને કામગીરી સરળ બની હતી. શનિવાર અને રવિવારે એસએમસીએ મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે બે કન્ટેનર રોકી તપાસ કરતાં તેમાં કુલ ૨.૯૭ કરોડનો વિદેશી દારૂ મળી આવ્યો. પહેલું કન્ટેનર ઃ ૧.૫૪ કરોડ, ૧૧,૭૩૧ બોટલો બીજું કન્ટેનર (આરએનડી યાર્ડ, રેલ્વે સ્ટેશન) ઃ ૧.૪૨ કરોડ, ૧૨,૬૦૦ બોટલો બન્ને કન્ટેનરમાં ખોટી બિલ્ટી, ખોટા ફોર્મ અને ઓઇલ અથવા અન્ય માલના નામે દારૂ છૂપાવી મોકલાયેલો હતો.
તપાસ મુજબ નેટવર્ક ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હતું. જેમાં પંજાબની લુધિયાણા સ્થિત બાલાજી ટ્રેડિંગ કંપની ખોટા દસ્તાવેજા સાથે કન્ટેનર ટ્રેનમાં મોકલતી. આ તરફ કન્ટેનર મુંદરા પોર્ટની અંદર પહોંચતાં ડોમૅસ્ટિક કાર્ગો હોવાથી તેની તપાસ ન થતી. ટ્રેલર ડ્રાઇવર કન્ટેનર પોર્ટમાંથી ઉઠાવતા અને નિર્ધારિત સ્થળે -મુખ્યત્વે પ્રાગપર ચોકડી નજીકના રંગલા પંજાબ હોટેલ લઈ જતાં અને ત્યાં કન્ટેનર ખાલી થતા અને દારૂ કચ્છ સહિત રાજ્યોમાં ફેલાતો. અહેવાલો અનુસાર આ તમામ કામગીરીનું સંચાલન જેલમાં રહેલો બૂટલેગર અનોપસિંહ રાઠોડ દુરથી કરતો હતો.
હાલ સુધીમાં ડ્રાઇવર જાગારામ જાટ,ભજનારામ બિશ્નોઇ,બૂટલેગર અનોપસિંહ રાઠોડ,કાળુ (સહયોગી),સુખદેવસિંહ (બાલાજી ટ્રેડિંગ, પંજાબ),જયગુરૂદેવસિંહ (દસ્તાવેજ વ્યવસ્થા),અનોપસિંહ રાઠોડ સામે અત્યાર સુધી ૨૩ ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ કેસ માત્ર દારૂની હેરાફેરીનો નહિ પરંતુ ટ્રેન માર્ગનો દુરુપયોગ કરી તૈયાર કરાયેલા રાષ્ટ્રીય સ્તરના નેટવર્કનો પર્દાફાશ છે. હવે આખું નેટવર્ક તોડવા માટે બન્ને કેસની સ્વતંત્ર તપાસ કરી રહી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે, દારૂની હેરાફેરી હવે ટ્રકો કે સરહદી રૂટ પૂરતી મર્યાદિત નથી. હવે ટ્રેન મારફતે સુરક્ષિત, ઓછી ચકાસણીવાળી દેશની આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કાર્ગો સિસ્ટમોનો ઉપયોગ થઈ રહ્યો છે.