દામનગર BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરમાં વરિષ્ઠ સંતોની પાવન નિશ્રામાં દિવ્ય શાકોત્સવ અને સત્સંગસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી BAPS મંદિરના કોઠારી પૂજ્ય સાધુચરિતદાસજી સ્વામીએ ‘ભગવાન જ કર્તા’ વિષય પર મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે જીવનના પ્રત્યેક કાર્યમાં પરમાત્માને અગ્રેસર રાખવા જોઈએ.સભામાં સંતોએ સત્વશીલ આહાર, સંયુક્ત કુટુંબ ભાવના અને ઉત્તમ બાળ ઘડતર દ્વારા ભારતીય સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો હતો. સ્વામીએ સંસ્થાના એવા શિક્ષિત યુવાન સંતોના જીવનનો ચિતાર આપ્યો હતો જેમણે ઉચ્ચ અભ્યાસ છોડીને દેશ-દુનિયાની સેવા માટે ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે.
આ ઉત્સવમાં યોગવીરદાસજી, ભગવતકીર્તનદાસજી અને અન્તરાજદાસજી સહિતના સંતવૃંદની ઉપસ્થિતિ રહી હતી. દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો હરિભક્તોએ ઉમટી પડી આ દિવ્ય શાકોત્સવનો પ્રસાદ અને સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.