દામનગર શહેરની નગરપાલિકા સંચાલિત શેઠ એમ. સી. મહેતા હાઈસ્કૂલમાં ૨૨ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિદાયમાન કાર્યક્રમ પણ યોજાયો હતો.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને શિક્ષણ સમિતિના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રજનીકાંત મહેતાના માર્ગદર્શન હેઠળ મનોજભાઈ રાજ્યગુરુ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ આચાર્ય પાર્થેશભાઈ ત્રિવેદી અને ભાવનાબેન પંડ્‌યાએ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતી વાંગ્મય અને પ્રખ્યાત સાહિત્યકારોના પ્રદાન વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. અંતમાં, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.