અમરેલીના ચિતલ સ્થિત પીલવાઈ ધામ ખાતે સોરાષ્ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ રાકોળીયા દવે પરિવારના કુળદેવી માતાજીનો ૨૩મો ત્રિકુંડી યજ્ઞ ભવ્ય સફળતાથી સંપન્ન થયો હતો. આ ધાર્મિક આયોજનમાં આશરે ૬૦૦થી વધુ પરિવારજનોએ હાજરી આપી હતી. આયોજનના પ્રથમ દિવસે નવદંપતીઓના હસ્તે માતાજીની પૂજા અને મહાઆરતી રાખવામાં આવેલી, જેમાં બે દંપતીઓએ ભાગ લીધેલો અને તેમને જનકરાય દયાશંકર દવે (ગોંડલ) તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવેલી. નવી લેવાયેલી ભૂમિના વધામણા પ્રસંગ ૧૦ મુખ્ય દાતાઓના હસ્તે કરવામાં આવેલો, જ્યારે રાત્રે પરિવારજનોએ રાસ-ગરબાની રમઝટ માણી હતી. આ સમગ્ર મહોત્સવમાં મુખ્ય ભોજન પ્રસાદ સહિત આગલા દિવસના સાંજનું જમણવાર, ચા-કોફી, નાસ્તાનો ખર્ચ સ્વ. માતા-પિતાના પુણ્ય સ્મરણાર્થે રેખાબેન ઉમેશભાઇ દવે અને ઉમેશકુમાર છગનલાલ દવે (લુણકીવાળા, રાજકોટ) તરફથી કરવામાં આવ્યો હતો. મંડપ, સમિયાણું અને વાડી ભાડાનો ખર્ચ સતત ચોથી વખત જયેશભાઈ મુગટલાલ દવે (જૂનાગઢ) તરફથી વિવેક જે. દવેના પુણ્યાર્થે હતો. આ પ્રસંગે પીલવાઈ ધામમાં જ રાકોળીયા દવે યાત્રી ભવન બનાવવાનો પરિવારજનોએ સંકલ્પ કર્યો હતો અને સારા દાનની જાહેરાતો કરવામાં આવેલી હતી.