શહેર અને ગ્રામ્યમાં વધતા જતા અકસ્માતો વચ્ચે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. હાથીજણ અર્બન હેલ્થ સેન્ટરમાંથી દવા લઇને નીકળેલી મહિલા અને તેની ચાર વર્ષની પુત્રીને ઇયોન ગાડીના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે મહિલાને માથામાં અને શરીરના ભાગે ઈજા થતાં સ્થળ પર જ મોત થયું હતું. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલાના પતિએ કારચાલક સામે વિવેકાનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૬૦ વર્ષીય વૃદ્ધની ધરપકડ કરી છે.
વિનોબાભાવેનગરમાં રહેતા સુરેશભાઇ પટેલની ચાર વર્ષની પુત્રી દેવાંશી બીમાર હતી. જેથી દેવાંશીને લઇને માતા રેખાદેવી હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગયા હતા. ત્યાંથી દવા લઈને તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે ઈયોન ગાડીના ચાલકે ખૂબ જ સ્પીડમાં આવીને બંનેને ટક્કર મારી હતી. રેખાદેવી ફંગોળાઇને રોડ પર પટકાતા માથા અને શરીરના અન્ય ભાગે ઇજાઓ પહોંચી હતી. ખૂબ જ લોહી નીકળી જતા સ્થળ પર જ મોત થયું હતું. ચાર વર્ષની દેવાંશીને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાસ્થળે એકત્રિત થયેલા ટોળામાંથી એક વ્યક્તિએ સુરેશભાઈને કારનો નંબર આપતા વિવેકાનંદનગર પોલીસે કાર નંબર આધારે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા (ઉ.૬૦) ઓઢવ ખાતે રહે છે અને લોખંડના સ્ક્રેપનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પિરાણાથી ઓઢવ પોતાના ઘરે જતો હતો ત્યારે ઓવરસ્પીડમાં ગાડી ચલાવી હોવાથી ઘટના બની હતી.
પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે બનાવ સ્થળની આસપાસ અનેક સીસીટીવી ફુટેજ મળ્યા હતા. જેમાં ગાડી ૭૦થી ૮૦ની સ્પીડ પર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી રાજેન્દ્રપ્રસાદની પૂછપરછ કરતા તેણે પણ ઓવરસ્પીડમાં ગાડી હંકારી હોવાની કબૂલાત કરી હતી. જેને લઇને પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.