બાબરાના દરેડ ગામે વાડીએ બાંધેલી ભેંસોને લઈ કુટુંબીજનોમાં માથાકૂટ થઈ હતી. તારી ભેંસો બાંધેલી છે ત્યાં મારે ખાતર નાંખવાનું છે, તું તારી ભેંસો બીજે લઈ જા તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત ખપાળીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે કરણભાઈ રાજાભાઈ ગરૈયા (ઉ.વ.૨૩)એ લાભુભાઈ અમરાભાઈ ગરૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ જયાબેન પોતાની વાડીએ મા દીકરો ભેંસો બાંધેલી હતી તેને નિરણ પાણી નાખતા હતા. આ દરમિયાન આરોપી સનેડો ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને તારી ભેંસો બાંધેલ છે ત્યાં મારે ખાતર નાંખવાનું છે, તું તારી ભેંસો બીજે લઈ જા તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. જેથી તેમણે આ જગ્યા પોતાની હોવાનું કહેતા આરોપી એક્દમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ લોખંડની ખપાળી વડે માથાના ભાગે બે થી ત્રણ ઘા મારી દેતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન સાહેદ જયાબેન વચ્ચે પડતા તેને પણ લોખંડની ખપાળીનો એક ઘા કપાળમાં ડાબી બાજુ માર્યો હતો. આરોપીએ જતા જતા તેમને હવે અહીં ભેંસો બાંધીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી.ડોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.