અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયામાં ખરાબ વાતાવરણના કારણે ત્રણ બોટ ડૂબી ગઈ હતી. તેમા ૧૭ સાગરખેડુઓને બચાવી લેવામાં આવ્યા છે, જયારે ૧૧ સાગરખેડુઓ હજી પણ ગુમ છે. તેમાથી બે સાગરખેડુના મૃતદેહ મળ્યા છે. હજી પણ નવ સાગરખેડુનો કોઈ અતોપત્તો નથી. આ સંજાગોમાં હવે તે જીવંત મળે તેવી સંભાવના ઘણી ઓછી છે. આ સાગરખેડુઓના મૃત્યુની જવાબદારી કોની, તેવો સવાલ કોંગ્રેસના ઉનાના ભૂતપૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશે પૂછ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરિયો તોફાની હોય, હવામાન સારું ન હોય, પવન ફૂંકાતો હોય ત્યારે ફિશરીઝ વિભાગ માછીમારોને દરિયામાં જવા માટે ટોકન જારી કરતું નથી. આ ઉપરાંત બંદર પર ૧,૨,૩ નંબરના સિગ્નલો પણ મૂકવામાં આવે છે. તેની સાથે દરિયો ન ખેડવાની જાહેરાત પણ કરવામાં આવે છે. જ્યારે આ દુર્ઘટના થઈ તે કિસ્સામાં તો ૧૬થી ૧૯ ઓગસ્ટ ૨૦૨૫ સુધી તો ફિશરીઝ વિભાગ દ્વારા ટોકન જારી કરવામાં આવતા હતા. હવે હવામાન વિભાગ આ દિવસોમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાશે તેવી આગાહી કરતું હતું તો ફિશરીઝ વિભાગે કેમ તેની નોંધ ન લીધી અને તે મુજબ પગલાં ન લીધા. ફિશરીઝ વિભાગે કેમ ટોકન આપવાનું શરૂ કર્યુ, કેટલા ટોકન આપ્યા, દરિયામાં ન જવા માટે કયા પ્રકારનું સિગ્નલ મૂકવામાં આવ્યું, તે બધા અંગે તલસ્પર્શી તપાસ જરૂરી બને છે. ફિશરીઝ વિભાગની બેદરકારીએ આ ૧૧ સાગરખેડુઓના જીવ લીધા હોવાનો દાવો તેમણે કર્યો હતો.પૂજાભાઈ વંશે બોટમાલિકોએ ૧૯મી ઓગસ્ટે બપોરે ત્રણથી પાંચ દરમિયાન ફિશરીઝ અધિકારીઓને તેમની બોટનો કોન્ટેક્ટ થતો ન હોવાનું જણાવ્યું હતું. તેના પછી સ્થાનિક તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તેની તપાસ કરવી જરૂરી બને છે, કારણ કે સ્થાનિક તંત્રએ કાર્યવાહી કરી હોય તેવા કોઈ સગડ જ મળતાં નથી.  જા તેઓએ તરત કાર્યવાહી કરી હોત તો નેવી, કોસ્ટગાર્ડ અને હવાઈદળનો સહકાર મેળવીને તેમનો જીવ બચાવી શકાયો હોત. આમ તેમના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી ન હોત.આ ઉપરાંત મૃતક સાગરખેડુઓને આપવામાં આવતી વર્તમાન સહાયનું ધોરણ પણ ઘણું ઓછું છે. તેથી સહાયમાં વધારો કરીને સાગરખેડુઓના કુટુંબીજનોને પૂરતી મદદ આપવામાં આવે તે જરૂરી છે. પૂજાવંશે તેના પગલે મૃતક સાગરખેડુઓના કુટુંબીજનોને ૨૫ લાખ રૂપિયાની આર્થિક સહાય અને બોટ ગુમાવનારા બોટમાલિકોને ૫૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.