બે હાથમાં વજનદાર થેલીઓ ઉંચકીને આવતાં બકાને જોઈને બોસથી પુછ્યાં વગર રહેવાયું નહીં .
“બકા, આવી ભયંકર મંદીમાં તું આટલી બધી ખરીદી કરી આવ્યો ? આ બે થેલી ભરીને શું લાવ્યો? રૂપિયાનાં ખિસ્સા ભરીને ગયો હશે.”
આવી કાળઝાળ મોંઘવારીમાં બે થેલાં રાશન એમ જ થોડું આવે ! ”
“બોસ બોસ, આટલાં બધાં રૂપિયા મારી પાંહે ક્યાંથી હોય અને આ રાશનથી ભરેલી થેલી ય નથી.”
“તો પછી, કોઈ સાળી બાળી મેમાન થઈને આવી ?
મેમાનેય ખરાં છે. આઠ દસ દિવસનો ધામો નાંખવો લાગે છે.”
“ના બોસ, ના. તમે ધારો છો એવું કાંઈ નથી. આ તો હમણાં હમણાં શિયાળામાં શાક બકાલું સસ્તું થઈ ગયું છે એટલે મને થયું હોંઘુ છે તો લાવ લઈ જ લવ. હમણાં ખાવાં પીવાનું જોર રાખવું પડશે ને.”
“કેમ.. કેમ જોર રાખવું પડશે ? પછી કાંઈ નવો પ્લાન છે ? કે પછી મહાકુંભ મેળામાં જોવું છે ? અને કુંભમેળામાં જો તો પાછો આવજે હોં. નહીંતર અમારું શું થાહે.”
“ના બોસ, ના. કુંભમેળામાં નથી જોવું. આ તો પાંચ રૂપિયામાં ફુલાવરનો આખો દડો મળતો ’તો એટલે લય લીધો. પણ, પછી મને થયું ! આવડો મોટો દડો માત્ર પાંચ રૂપિયામાં મારી પાંહે પોગી ગ્યો ? તો પછી..! વેચનારને કેટલાં મળ્યા ? હરરાજીમાં કેટલાં ઉપજ્યા ? કમીશન કેટલું ગયું ? અને મૂળ વાત. ખેતરમાં ઉગાડીને, પાણી પાઈને, દવા છાંટીને, મહા મહેનતે છકડામાં ભાડુ ખર્ચ કરીને હરરાજીમાં મૂકનાર ખેડૂતને કેટલાં મળ્યાં હશે ??”
“બકા.. બકા… ઈ હંધીય આંટીઘૂંટી વાળી વાત છે. આપણાં જેવાં તો શું, હારી હારી કંપનીના સીઈઓનેય આ ગણતરી ફાવતી નથી. અને ખેડૂતને અમથો જગતનો તાત કહ્યો હશે.
અને મૂળ વાત. આ શાક દસ દિવસ તું રાખીશ ક્યાં ? તારી ઘરવાળી આજ તારો વારો પાડવાની છે. ઈ તો પડશે એવાં દેવાહે. પણ, બકા રોજે રોજ શાકનો છકડો આવે જ છે. પછી દસ દિવસનું કેમ લીધું ?”
“બોસ, તમને એકવાર કહ્યું કે, હમણાં ખાવાનું જોર રાખવાનું છે એટલે લીધું છે.” “કેમ પછી ખાવાનું બંધ કરી દેવાનું છે? ”
“ઈમ જ હમજો. હમણાં હમણાં ધરણાં અને ઉપવાસની મોસમ હાલે છે. એટલે મારે ‘ય એની હારે બેહવું છે.”
“એટલે તારે ખેડૂતની દયા ખાયને ડલ્લેવાલના ઉપવાસ આંદોલનમાં જોવું છે ?”
“ના, મારે તો બિહારવાળા પી.કે.ના ઉપવાસ આંદોલનમાં જોડાવા જોવું છે.”
“બકા તું ય હાવ ગાંડો થયો કે થાશ ?? ઉપવાસ અને ધરણાં કરવાંનો શોખ હોય તો આપણે ન્યા ક્યાં તાણ્ય છે? હાલતાં ચાલતાં મળી જાય. અને તારે ઠેઠ બિહાર જોવું છે? લાલુના કલાસ યુનિવર્સિટીમાં હાલતાં ઈ દિવસો હવે ગયાં. અને હાવ હાસું કવ તો આવા દેખાડાનાં ધરણાં અને ઉપવાસ ઉપર હવે આમ જનતા અને સરકારને ભરોસો રહ્યો જ નથી. કારણ વગરનું રાજકારણ કરે છે. ફોટાઓ પાડીને હમાચારમાં ચમકે છે. આવાં ઘસાઈ ગયેલાં આંદોલનમાં તારે જોવું છે ??”
“બોસ, ઈ કાંઈ મને ખબર નથી અને ખબર પાડવીએ નથી. તમે જ કો, મારે આટલી લાંબી જિંદગીમાં સાયકલમાંથી કેરોસીન વાળું મોટરસાયકલ માંડ માંડ થયું. અને આપણે લકઝરી ગાડીઓના નકરાં ફોટા જ જોવાનાં ! ??
તમે ઉપરનો ફોટો તો જુઓ. મને લાગે છે કે, આખા ગુજરાતમાં આવી કરોડો રૂપિયાની ગાડી કદાચ નહીં હોય ! અને હશે તો આપણે ફોટો ‘ય જોયો નથી.”
“અરે.. બકા, માત્ર ફોટો જોવા ન્યા લગણ લાંબુ થવાય ? અને ગાંડાભાઈ ફોટા તો છાપામાં હીરોઈનના ય છપાય છે. એનો મતલબ તમને હીરોઈન મળી જાહે ??”
“તમે હમજ્યા નહીં બોસ. આ ગાડીમાં બેહવા મળે એટલે તો ઉપવાસ કરવા છે.”
“મને હજીય હમજણનો ટપો પડતો નથી. ઉપવાસ અને કરોડોની ગાડીને શું લેવાદેવા ? આપણાં ગાંધી બાપુ ઉપવાસ કરતાં તો માત્ર એક પોતડી જ પહેરતાં. પછી આ કરોડોની ગાડીનું શું કનેક્શન ?”
“બોસ તમે ૧૯૪૦/ ૪૫ ની વાત કરો છો. અને આ હાલે છે ૨૦૨૫. તમે એમ.કે.ની વાત કરો છો. અને આ છે પી.કે. ”
“હા, પણ મૂળ તો વાત ઉપવાસની જ છે ને. આમાં વચ્ચે કરોડોની ગાડી કયાંથી આવી? ”
“મૂળ વાત હવે જ શરૂ થાય છે. જૂઓ, ઉપવાસનાં ફોટા બોટા પડી જાય, એકાદ બે પી.સી. થઈ જાય, પત્રકારો હંધાય આડાઅવળા થઈ જાય પછી જ હાસો કાર્યક્રમ શરૂ થાય છે.”
“કેવો કાર્યક્રમ ? અને એમાં વળી નવીન શું હોય છે ??”
“પી.કે. ને (પાણી) પી પીને ફ્રેશ થવું હોય, આરામ કરવો હોય કે પછી..કટક બટક
? ત્યારે આ ફાઈવ સ્ટાર હોટલ જેવી ગાડીમાં જવાનું. એટલે આ ગાડી ચોવીસ કલાક ત્યાં જ હોય છે.”
“હા પણ, આમાં તને શું લાભ?”
“ભલા માણસ! આપણે ‘ય ઉપવાસી કેવાઈએ. આપણેય ફ્રેશ તો થવું પડે ને ભેગાંભેગ આરામેય કરી લેવાનો. આપણાં ભાગ્યમાં આવી ગાડી કયાંથી..!!” kalubhaibhad123@gmail.com