‘‘તે આપેલી ઘોડા પર સવાર એવી તારી તસવીર મેં મારા હૃદયમાં સાચવી છે દર્શન! ઘરેણા રાખવાની પેટીમાં મેં સંતાડી રાખી છે. જયારે તારી યાદ આવે છે ત્યારે એ પેટી ખોલી હું તારા દર્શન કરુ છું. પછી તારી સાથે મનોમન ઘણીબધી વાતો કર્યા કરુ છું. અને હા પેલા મેળામાંથી મને મનગમતી હાથીદાંતની ચૂડી તે ભેટમાં આપેલી છે તેને પણ મેં આ પેટીમાં સંઘરી રાખી છે. એટલે તને આખો ને આખો મેં તો મારા હૃદયમાં કયારનોય સંઘરી રાખ્યો છે.’’ આટલું બોલી બંસી જરા અટકી દર્શનની આંખમાં આંખ પરોવી ફરી બોલીઃ ‘‘આપણા લગ્ન તો થશે ને…..?!’’
આવું સાંભળી દર્શને બંસીનો હાથ જરા દબાવ્યો ને ખુમારીથી બોલ્યોઃ ‘‘હા,આપણા લગ્ન થશે જ..ચોક્કસ!’’ એટલે બંસી તરત જ બોલીઃ ‘‘તું કહે છે તે સાચુ પડે એમ હું માનુ છું પણ, મને વારે વારે આ દિલમાં, હૃદયમાં ઉડાણમાંથી એક વિચિત્ર પ્રકારનો ધ્રાસકો અનુભવાય છે. આપણા લગ્ન ન થાય તો……..?!’’
પ્રિયતમાના આ શબ્દો, આ વાકયો સાંભળતા જ દર્શન જ્યાં બેઠો હતો ત્યાંથી ઝટકા સાથે ઉભો થયો. બંસીનો હાથ પકડી તેને પણ ઉભી કરી. પછી બંસી સામે જાઈ બોલ્યો; ‘‘ચાલ, છેલ્લો રસ્તો તને બતાવું! આપણા લગ્ન નહી થાય તો…આ છેલ્લો રસ્તો….’’ એમ બોલી બંસીનો હાથ પકડીને દર્શન ચાલવા લાગ્યો. બંસી દર્શનની મુખમુદ્રાને બસ જાતી જ રહીને ચાલતી રહી. ચાલીને દર્શન ભમ્મરીયા કૂવા પાસે પહોંચ્યો. કૂવાના કઠેડા પાસે ઉભા રહી બંસીને કહ્યું; ‘‘જા, આમાં નજર નાખ. આ ભમ્મરીયો કૂવો ખૂબ ખૂબ ઉંડો છે. પાણીથી ભરેલો છે. જરા…અંદર જા.’’ એમ કહી બંસીને તદ્દન પોતાની પાસે ખેંચી. બંસીએ જરા કૂવામાં ડોકિયું કર્યું ને તે આંખો મીંચી ગઈ… એ ધ્રુજી ગઈ. તેના શ્વાસ ધમણ પેઠે વધવા લાગ્યા. ડરી જ ગઈ હતી તે ને ત્યારે જ દર્શન બોલ્યો;
‘‘જા આપણા લગ્ન નહી થાય તો……. આ ભમ્મરીયો કૂવો આપણને બન્નેને સાચવશે….સમજી! તારો સાથ હશે તો હું કઈપણ કરવા તૈયાર છું.સાંભળ……, સાથે જીવી નહી શકીએ તો કંઈ નહીં પણ સાથે મરી તો શકીએને…?!’’
‘‘હા……….’’ માંડ માંડ બંસી બોલી; ‘‘ છેલ્લામાં છેલ્લો આ નિર્ણય જ યોગ્ય ગણાય. મારા ભાગ્યમાં તું અને તારા ભાગ્યમાં હું જ હોઈશ તો આપણા બંન્નેના લગ્ન અચૂક થશે. જા લગ્ન નહી થઈ શકે તો આ કૂવો ચોક્કસપણે આપણા બન્નેને સમાવી લેશે…બરાબર ને?’(ક્રમશઃ)