કોડીનાર પોલીસે “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરતા એક મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી, ગુમ થયેલ બુલેટ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત સોંપી છે. તાજેતરમાં મોહરમના તાજિયાના તહેવાર દરમિયાન બહારથી લોકો જુલૂસ જોવા આવ્યા હતા, ત્યારે મોબાઈલ, કિંમતી ચીજવસ્તુઓ અને મોટરસાયકલ ગુમ થવાના બનાવો બનતા હોય છે.
આવા જ એક બનાવમાં, વેરાવળ તાલુકાના કુકરાસ ગામના રહેવાસી રીઝવાનભાઈ ઉબેદાદભાઈ બ્લોચ (ઉ.વ. ૨૨) એ પોતાની રોયલ એનફિલ્ડ કંપનીની બુલેટ (રજી. નં.GJ-૧૧-૮૫-૬૪૪૪, કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦/-) ગુમ થવા અંગે અરજી કરી હતી. તેમની બુલેટ ગઈ તા. ૦૬/૦૭/૨૦૨૫ ના રોજ મોટા પીરની દરગાહના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી હતી અને ત્યાંથી ગુમ થઈ ગઈ હતી.
આ અરજી મળતા જ, કોડીનાર પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી. કેમેરા ચેક કર્યા હતા. ટીમવર્ક અને ટેકનોલોજીના સમન્વયથી પોલીસે ગુમ થયેલ બુલેટ શોધી કાઢી હતી અને તેને મૂળ માલિક રીઝવાનભાઈ બ્લોચને જે તે સ્થિતિમાં પરત સોંપી હતી.