આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે એક સારા સમાચાર આપ્યા છે. તેણે એક તસવીર શેર કરી અને પુત્ર હોવાની માહિતી આપી. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેજસ્વી યાદવે લખ્યું, “શુભ સવાર! રાહ આખરે પૂરી થઈ! અમારા નાના પુત્રના આગમનની જાહેરાત કરતાં ખૂબ આભારી, ધન્ય અને ખુશ છું. જય હનુમાન!” તેજસ્વી યાદવે હોસ્પિટલમાંથી તેમના પુત્રની તસવીર પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા તેજસ્વી યાદવ અને તેમની પત્નીને એક પુત્રી પણ છે. દીકરીનું નામ કાત્યાયની છે.
તમને જણાવી દઈએ કે લાલુ પ્રસાદ યાદવનો નાનો પુત્ર બિહારની રાજનીતિનો એક અગ્રણી ચહેરો છે. તેમના લગ્ન ૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ થયા. તેજસ્વી યાદવનો તેની મિત્ર રશેલ ગોડિન્હો સાથે પ્રેમ સંબંધ હતો. જાકે, પાછળથી રશેલ ગોડિન્હોએ પોતાનું નામ બદલીને રાજશ્રી યાદવ રાખ્યું. રાજશ્રી યાદવ હરિયાણાના રેવાડીના એક ખ્રિસ્તી પરિવારની છે અને બાળપણથી જ દિલ્હીમાં રહેતી હતી. બંનેને એક પુત્રી પણ છે, જેનું નામ લાલુ પ્રસાદ યાદવે પોતે કાત્યાયની રાખ્યું છે. તેજસ્વી યાદવના પુત્રના જન્મ બાદ હવે પરિવારમાં ખુશીનો માહોલ છે.
બીજી તરફ, તેજ પ્રતાપને લગતો વિવાદ પણ સમાચારમાં છે. તાજેતરમાં, તેજ પ્રતાપ યાદવનો એક છોકરી સાથેનો ફોટો સામે આવ્યા બાદ, લાલુ પ્રસાદ યાદવે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. આ ઉપરાંત લાલુએ તેજ પ્રતાપ યાદવને પરિવારથી પણ દૂર રાખ્યા. જાકે, તેજ પ્રતાપ યાદવના લગ્ન બિહારના ભૂતપૂર્વ સીએમ દરોગા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે થયા હતા. હાલમાં, ઐશ્વર્યા રાય અને તેજ પ્રતાપ વચ્ચેના વિવાદ પછી, બંને અલગ રહી રહ્યા છે.