‘‘આવુ….., આમ કરાતુ હશે? મને તો બીક લાગવા માંડી…..’’ ઉંડો શ્વાસ લઈ થોડી વાર પછી બંસી બોલી. એટલે દર્શને જવાબ આપતા કહ્યુઃ
‘‘કેમ..? ખેતરમાં શેની બીક છે? એ પણ તારા પોતાના ખેતરમાં…!’’ દર્શને સામે પ્રશ્ન કર્યો.
‘‘પસાભાઈ પણ દેખાતા નથી કયાંય. તારો ઘોડો જાયો પણ તું ન દેખાયો. એટલે થોડી બીક તો લાગે ને…’’
‘‘પસાની તબિયત આજે થોડી નરમ હતી. હું તો મારા ખેતરે જ જતો હતો ત્યાં વચ્ચે રસ્તામાં પસો મળ્યો. મને થોડી વાત પણ કરી. તેઓ ગામમાં દવાખાને ગયા છે. તારા ખેતરે બીજું કોઈ હોય જ નહી એ મને ખબર જ હતી. એટલે થયું કે લાવ…..આજે તારા ખેતરમાં આટો મારી લઉ. ઘોડાને આ તરફ વાળ્યો. તું આજે ખેતર આવવાની છો તેવી મને કયાં ખબર હતી. તું મળે કે ન મળે પણ તારા પગલા રોજ અહીં પડેલા હોય તેની સુગંધ તો માણવા મળે! એવી આશાએ આવ્યો.
સારુ થયુ તું આવી. હવે નિરાંતે વાતો કરીશુ…..બરાબરને ?’’ દર્શને ધીમા અવાજે કહ્યું. ‘‘પણ પસાભાઈને હજાર રૂપિયા આપવાના હું લઈ આવી છું……હવે?’’
‘‘પછી આપી દેવાશે……’’ એમ બોલતાની સાથે જ લીમડાની ડાળી પરથી નીચે ભૂસકો મારતા દર્શને કહ્યુંઃ ‘‘એ થોડા કયાંય ચાલ્યા જવાના છે…..’’
બંસી-દર્શન ખાટલામાં બેઠા. થોડી વાર થઈ ત્યાં દર્શને કહ્યુંઃ ‘‘મારા ખેતરે જઈએ તો?’’ ‘‘અહીં કોઈ નથી. ત્યાં કે અહીં બધુ જ સરખુ છે, અહી બેસને!’’ બંસી બોલી. ‘‘મારા ખેતરે બેસીને વાત કરીએ તો મને મજા આવશે……ચાલને? ’’ અતિ આગ્રહથી દર્શન બોલ્યો.
‘‘તો તું જા……, હું ચાલીને ત્યાં પહોંચુ છું…….’’
‘‘ના, ચાલીને નહી……આજે તો ઘોડા પર તારે બેસવું જ પડશે.’’
‘‘મને તો ઘોડા પર બેસતા નહી ફાવે. વળી કોઈ ભૂલેચૂકે આ બાજુ આવી ચડે ને જાઈ જાય તો…..?’’
‘‘ભલે જુએ……આજે ના ન પાડતી, મારા સમ……’’
બંસી કંઈ ન બોલી. મતલબ કે તેની સહમતી ખરી. એટલે દર્શને તેના મજબૂત હાથના સહારે બંસીને ઘોડા પર બેસાડી, પછી પોતે સવાર થયો અને જરા બુચકારો બોલાવ્યો ત્યાં તો……ઘોડો ચાલતો થયો.
થોડીવારમાં દર્શનનું ખેતર આવ્યુ. અહી ં રોજના નિયમ મુજબ બંસી અને દર્શન શીતળ છાયામાં નિરાંતે બેઠા. બંસી બેસતાવેંત જ થોડું રિસાઈને મોં વાંકુ કરી બોલીઃ ‘‘ગઈ કાલે મને જાવા માટે મહેમાન આવ્યા હતા…..’’
‘‘હેં……આવું સાંભળતા જ દર્શનના હોઠ ખુલ્લા રહી ગયા.(ક્રમશઃ)