મહાન ક્રાંતિવીર ભગતસિંહના શબ્દોમાં કહીએ તો સૌથી મોટામાં મોટો ધર્મ રાષ્ટ્રધર્મ છે. ગુલામીની જંજીરમાંથી દેશને આઝાદી અપાવવા માટે ક્રાંતિવીર સપૂતોએ પોતાના પ્રાણની આહુતિ આપી દેશને આઝાદી અપાવી છે. ગુજરાતના મૂર્ધન્ય અને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશીએ કહ્યું છે કે દેશ આઝાદ થતા થઈ ગયો તે શું કર્યું? ભારત સંધીય વ્યવસ્થા ધરાવતો દેશ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી ભારત બનેલો છે. ભારત ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ દેશની અસ્મિતા અનન્ય છે. વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અનેક વિદેશી અને લૂંટારુ પ્રજા ભારતમાં આવી અને જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી ગઈ. સોને કી ચીડિયા તરીકે ઓળખાતો આ દેશ આજે પણ તેના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતના કારણે વિશ્વમાં નામાંકિત દેશ છે. વિશ્વમાં સૌથી યુવા ધન ધરાવતો દેશ છે. બે સદી સુધી ભારત કરતાં ૨૦ ગણા નાના ઇંગ્લેન્ડ દેશે ભારત ઉપર શાસન કર્યું. ગુલામીની જંજીરમાંથી મુક્ત થવા માટે દેશમાં હિંસક અને અહિંસક આંદોલન થયા. ક્રાંતિકારીઓમાં રાષ્ટ્રભક્તિ અને લોહીમાં રાષ્ટ્રશક્તિના રંગના લીધે ક્રાંતિકારીઓએ હસતા મુખે માતૃભૂમિ માટે શહીદી વ્હોરી છે.
૧૫ મી ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૭૯ મો સ્વાતંત્ર્ય પર્વ છે ત્યારે ૧૩૫ કરોડ જનતાના હૃદયમાં ભારત ભૂમિની વંદનાનો નાદ ગુંજી ઉઠ્યો છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો હો રાજ મને લાગ્યો આઝાદીનો રંગ.. તે સમયે કસુંબીના રંગની જગ્યાએ આઝાદીનો રંગ લાગ્યો ત્યારે આજે આપણે સ્વતંત્રતાનો શ્વાસ લઈ શકીએ છીએ. રાષ્ટ્રભાવના જન જન સુધી વ્યાપક બને તે અપેક્ષિત છે. મેં મેરે દેશ કો ઝુકને નહી દુંગા. મારો દેશ મારી આન, બાન અને શાન છે. આઝાદીના આઠ દાયકા પૂર્ણ થવાને આરે છે. દેશમાં અનેક ચડાવ અને ઉતાર આવ્યા. વિકાસશીલ રાષ્ટ્રની પ્રક્રિયા વ્યાપક બની રહી છે. ઔદ્યોગિક, કૃષિ, ટેકનોલોજી, શૈક્ષણિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારત વિકસિત દેશોની સાથે કદમ મિલાવી ચૂક્યું છે. નાસા અને અન્ય ક્ષેત્રે ભારતીયનો દબદબો રહ્યો છે. ભારતનું બૌદ્ધિક ધન બહિર્ગમન એટલે વિદેશ ચાલી જાય છે તેના કારણે દેશનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ તે થતો નથી. યુવા ક્રાંતિકારીઓએ આવું વિચાર્યું હોત તો દેશ આઝાદ થાત? માતૃભૂમિની રક્ષા કાજે સામી છાતીએ ગોળીઓ ઝીલી છે ત્યારે દેશ આઝાદ થયો છે. દેશના ક્રાંતિકારીઓ આ દેશનું ગૌરવ છે. જે દેશની હવા અને અનાજ ખાતા હોય તે દેશને વફાદાર રહેવું તે જ સૌથી મોટો રાષ્ટ્રધર્મ છે. હવે તો દેશ આઝાદ થઈ ચૂક્યો છે. પ્રજાસત્તાક રાષ્ટ્રના નાગરિક તરીકે મારી ફરજમાં જે આવે તે શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રતિબદ્ધ રહીએ. પ્રમાણિકતાથી નોકરી તેમજ ફરજ બજાવીએ. દેશનો એક પણ મિનિટનો સમય બગાડીએ નહીં. સ્વચ્છતા રાખવા પ્રયાસ કરીએ. રાષ્ટ્રીય સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીએ. સ્વદેશી વસ્તુ અપનાવીએ. વિદેશી વસ્તુનો મોહ રાખીએ નહીં. જગત જમાદાર બનીને વિશ્વને ગુમરાહ કરતું અમેરિકા ટેરિફના નામે ભારતનું શોષણ કરવા માંગે છે. તેવા સમયે સ્વદેશી વસ્તુ અપનાવી વિદેશનો ત્યાગ કરીએ તો કેવું? સ્વદેશી કંપની શ્રેષ્ઠ ચીજવસ્તુ બનાવે એ પણ અપેક્ષિત છે. અંગ્રેજોને કાઢવા માટે ગાંધીજીએ સ્વદેશી આંદોલન ચલાવેલ હતું. આજે આજ વાત ભાવિ યુવા પેઢીને સમજાવવી પડશે. મેડ ઇન અમેરિકા હોય કે ઇંગ્લેડનું હોય કે દુનિયાના કોઈપણ રાષ્ટ્રનું હોય જ્યાં સુધી તમને તમારા રાષ્ટ્રની ચીજવસ્તુ પરત્વે લગાવ નહીં હોય તો દેશની પ્રગતિ નહીં થાય. આ દેશમાં જન્મ લેવો એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બાળ ગંગાધર ટિળકે કહ્યું હતું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. હું તે મેળવીને જ રહીશ.. આપણને આપણું સ્વરાજ્ય તો મળી ગયું છે. પરંતુ આપણે સ્વતંત્રતાથી જીવી શકીએ છીએ? સ્વતંત્રતા એટલે દેશની જે વ્યવસ્થા છે તેમાં એક સભાન નાગરિક તરીકે પોતાની જવાબદારી વહન કરીએ. દેશની આન, બાન અને શાન વધારવા માટે પ્રયત્ન કરીએ. તિરંગો આપણા દેશની શાન છે. તેનું ગૌરવ સદાય માટે વધારતા રહીએ. દેશના લોકોમાં સાંસ્કૃતિક વિરાસત અને આપણા દેશની અસ્મિતાને ઉજાગર કરવા માટે સતત પ્રયાસશીલ રહીએ. ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ( બ્ભથ્હ્ર°ક્ર ) ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. તિરંગો રાષ્ટ્રીય ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. મધ્યમાં ૨૪ આરા ધરાવતું અશોક ચક્ર હોય છે. ૧૯૪૭માં પસંદ કરાયેલ રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનું ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભમાંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨ઃ૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે. ૭૯ મા સ્વતંત્રતા દિવસે દેશવાસીઓ સંકલ્પ કરીએ કે હું કચરો કચરાપેટીમાં જ નાખીશ. યુવાનો બિનજરૂરી વ્યસનો અને નશાખોરી ડ્રગ્સનું સેવન ક્યારેક નહીં કરે. કુદરતી સંસાધનો જેવા કે પેટ્રોલ, ડીઝલ, વીજળી, પાણી, ખોરાક જેનો વિવેકથી ઉપયોગ કરીશું. નોકરીના સમયગાળા દરમિયાન પ્રમાણિકતાથી અને ચોકસાઈથી કાર્ય કરીશું. ઓફિસમાં આવનાર જે પણ નાગરિક છે તે આપણા માટે ખૂબ જ અગત્યનો છે તેને કેન્દ્રસ્થાને રાખી સેવાના સંકલ્પથી ફરજ બજાવીશું. ભ્રષ્ટાચાર અને અનીતિ જેવા દુષણોને દૂર કરવા પ્રયાસ કરીશું. રાષ્ટ્રની ભાવનાને ઉજાગર કરવા માટે પ્રયાસ કરીશું.પશ્ચિમી દેશોની સંસ્કૃતિને તિલાંજલિ આપીશું અને આધ્યાત્મિકતા, સંસ્કાર અને સમજણ જેવા પારિવારિક ગુણો કેળવવા પ્રયાસ કરીશું. સરકાર દ્વારા જે નિયમો થયા છે તેનું ચુસ્ત અમલીકરણ કરીશું. ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું અને કરાવીશું. વીજચોરી અટકાવીશું અને પાણીનો કરકસરથી ઉપયોગ કરીશું. જ્યાં પણ કાર્ય કરીશું ત્યાં સૌથી પહેલા કેન્દ્રસ્થાને રાષ્ટ્રને પ્રાયોરિટી આપીશું.
ગરીબી છે જ નહીં. મફતનું ખાવાથી સારા વિચારો આવે નહીં. કાર્ય કરીને દેશના ઉત્પાદનમાં વધારો કરવા પ્રયાસ કરીએ. આદરણીય પ્રધાનમંત્રીને વિનંતી કે દેશમાં લોકોને જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા મફત અનાજ આપવાની જગ્યાએ તેમને કામ આપો અને તેના બદલામાં અનાજ અથવા તો પગાર આપો. વધારે આવક વાળા લોકો સરકારનું મફત ખાઈ જાય છે. જે લોકો દિવ્યાંગ અને વૃદ્ધ છે તેમના સિવાય આ દેશમાં કોઈ ગરીબ છે જ નહીં. સરકારે કામ આપીને વેતન આપવાની જરૂર છે. મફતનું મળે છે એટલે તેનું મૂલ્ય રહેતું નથી. ગરીબને આર્થિક ઉપાર્જન માટે તેમની આવડત પ્રમાણે કામ આપવાની વ્યવસ્થા નિર્માણ કરવાની જરૂર છે. તો જ દેશ આગળ આવશે. બાકી વોટબેન્કના કારણે ખીચડી પકવતા રહીશું તો દેશ આગળ આવશે નહીં. રાષ્ટ્ર ભાવના નિર્માણ કરવા ‘શ્રમ એ જ કલ્યાણ’ આવી ભાવના નિર્માણ કરવા માટે દેશનું ઉત્પાદન વધારવાનો એક માર્ગ છે. દેશની પ્રગતિ, ઉન્નતિ વિશ્વફલક સુધી વ્યાપક બને તેવી સ્વતંત્રતાના દિવસે શુભકામનાઓ પાઠવું છું. એક દિવસ તિરંગો ફરકાવવાથી દેશની ગુણવત્તા નહીં વધે. મારા રાષ્ટ્રની ભક્તિ હૃદયમાં નિરંતર ચાલવી જોઈએ તો જ સાચી આઝાદીનો સ્વાદ માણી શકાશે. વંદે માતરમ.. ભારત માતાકી જય..જય હિન્દ.. ઇન્કલાબ જિંદાબાદ.. શહીદો અમર રહો.. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨