ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી એપ્રિલ ૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં કુલ ૬ નગરપાલિકાઓ અને ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીઓ માટે મતદાન તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ થશે અને મતગણતરી તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. જિલ્લામાં આ પ્રક્રિયા માટે આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવાયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળ અમરેલી જિલ્લાની કુલ ૩૪ બેઠકો અને તાલુકા પંચાયતોની ૧૯૦ બેઠકો માટે ૧,૦૯૩ મતદાન મથકો પર મતદાન થશે. જેમાં કુલ ૮,૬૪,૮૭૭ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજી તરફ ૬ નગરપાલિકાઓના ૪૬ વોર્ડ માટે ૨૩૧ મતદાન મથકો ઊભા કરાશે, જેમાં કુલ ૨,૧૦,૬૭૭ શહેરી મતદારો નોંધાયેલા છે.










































