ગીર પંથકમાં તાલાલાના રસુલપરા ગીર ગામે રવિવારે (૧૧મી જાન્યુઆરી) વહેલી સવારે દીપડાએ મહારાષ્ટ્રથી આવેલા શ્રમિક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હુમલાખોર દીપડાને પાંજરે પૂરી દીધો છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની ૪૫ વર્ષીય નારસિંગ પાટીલ અન્ય શ્રમિકો સાથે રસુલપરાના ખેડૂત ભીખા કથીરિયાના ખેતરમાં શેરડી કાપણીના કામ માટે આવ્યા હતા. રવિવારે વહેલી સવારે નારસિંગ જ્યારે શૌચક્રિયા માટે ખેતર નજીક ગયા હતા, ત્યારે શેરડીના પાકમાં છુપાઈને બેઠેલા દીપડાએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. દીપડો શ્રમિકને ગળાના ભાગેથી પકડીને શેરડીના ઊભા પાકમાં ઢસડી ગયો હતો. સાથી શ્રમિકોએ બૂમાબૂમ કરતા દીપડો નાસી છૂટ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે નારસિંગનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.