‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 14 વર્ષ પૂરાં થઈ ગયાં.

28 જુલાઈ, 2008 રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પહેલો એપિસોડ સબ ટીવી પર પ્રસારિત કરાયો હતો. આ 28 જુલાઈએ આ ઘટનાને 14 વર્ષ પૂરાં થયાં અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 15મા વર્ષમાં પ્રવેશ કરીને એક વિક્રમ સર્જી દીધો.

ભારતીય ટેલિવિઝનના ઈતિહાસમાં સળંગ 14 વર્ષ ચાલનારી આ પહેલી સીરિયલ છે. બલ્કે વિશ્વમાં સળંગ સૌથી વધારે ચાલનારી ટીવી સીરિયલ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 3000 કરતાં વધારે એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. આ માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને સ્થાન મળ્યું જ છે, હવે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને સ્થાન મળશે.

એક ભારતીય ટીવી સીરિયલને આવી ભવ્ય સફળતા મળી એ મોટી વાત છે. કોમેડી સર્જવી સૌથી અઘરી છે  લોકોને સતત હસાવવા બહુ મુશ્કેલ કામ છે એવું સૌ માને છે. કોઈ પણ સીરિયલ સળંગ 14 વર્ષ ચાલે એટલે રીપીટેટિવ થઈ જાય એ પણ ખતરો છે. ઘણાં બધા કલાકારો પણ વચ્ચેતી વિદાય થાય ને તેના કારણે દર્શકોનો રસભંગ થઈ જાય એવું બને.  કોમેડીમાં એક મોટું જોખમસ્થાન તેનું સ્તર નીચું જતું રહેવાનું છે. દર્શકોનો રસ ટકાવવા કોમેડી સીરિયલમાં દ્વિ-અર્થી કે અશ્લીલ સંવાદો આવવા માંડે એ પ્રકારની ઘટનાઓ ઘણી બધી કોમેડી સીરિયલમાં થઈ છે.

આ બધી વાતોને અથવા અવરોધોને પાર કરીને સીરિયલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્ય એ મોટી સિધ્ધી ગણાય. આ સીરિયલના 3500થી વધુ એપિસોડ પૂરા થયા પણ સીરિયલ પોતાનું હળવું કૌટુંબિક મનોરંજન પૂરું પાડવાના મૂળભૂત ઉદ્દેશને વળગી રહી છે. આ સીરિયલને મરાઠીમાં ‘ગોકુલધામચી દુનિયાદારી’ અને તેલુગુમાં ‘તારક મામા આયો રામા’ તરીકે સોશિયલ મીડિયા પ્લેટફોરમ પર રજૂ કરાય છે ને તેને પણ જોરદાર સફળતા મળી છે.

////////////////////////////////////

ગુજરાતીઓ માટે તો વિશેષ ગૌરવની વાત છે કેમ કે આ સીરિયલનાં મૂળ ગુજરાતમાં છે. મૂળ ગુજરાતી હાસ્ય લેખક તારક મહેતા ચિત્રલેખા મેગેઝિન માટે દર અઠવાડિયે ‘દુનિયાને ઉંધાં ચશ્માં’ કોલમ લખતા હતા. આ કોલમમાં તેમણે સર્જેલાં પાત્રો ગુજરાતમાં જાણીતાં થયાં હતાં. આસિત કુમાર મોદીએ આ લોકપ્રિયતાનો લાભ લેવા માટે ‘દુનિયાને ઉંધાં ચશ્માં’  પરથી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બનાવી. મૂળ કોલમનાં  મોટા ભાગનાં પાત્રોને મોદીએ સીરિયલમાં જાળવ્યાં ને થોડાંક નવાં પાત્રો ઉમેર્યાં. નવા જમાના પ્રમાણે મુંબઈની ચાલના બદલે ગોકુલધામ સોસાયટી બનાવી અને આ સીરિયલને કોઈએ ધારી ના હોય એવી જબરદસ્ત સફળતા મળી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલને કારણે જેઠાલાલ, દયાભાભી, ચંપકલાલ, ટપુડો વગેરે તારક મહેતાએ સર્જેલાં સંખ્યાબંધ પાત્રો તો લોકોની જીભે ચડી જ ગયાં પણ તારક મહેતા પણ રાષ્ટ્રીય સ્તરે જાણીતા થઈ ગયા. તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાને પણ આ સીરિયલના કારણે નવી ઓળખ મળી. ગુજરાતના લેખકોને ગુજરાતમાં જ લોકો બહુ ઓળખતા નથી ત્યારે ગુજરાતી ભાષામાં કોઈ લેખકનું નામ આ હદે રાષ્ટ્રીય સ્તરે જાણીતું થયું એવી આ પહેલી ઘટના હતી. તારક મહેતાએ ગુજરાતી ભાષામાં પાંચ દાયકા કરતાં વધારે લખ્યું પણ રાષ્ટ્રીય સ્તરે તેમનું નામ નહોતું થયું. મોદીની સીરિયલે તારક મહેતાને ગુજરાતની સરહદો પર કરાવની દેશભરમાં જાણીતા કરી દીધા.

ગુજરાતીઓ માટે એ રીતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને 14 વર્ષ પૂરાં થયાં એ વિશેષ ગૌરવનો અવસર છે.

////////////////////////////////////

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહક દર્શકોએ ‘દુનિયાને ઉંધાં ચશ્માં’ની દુનિયામાં પણ લટાર મારવાં જોઈએ, તારક મહેતાનાં મૂળ લખાણ વાંચવાં જોઈએ. ‘દુનિયાને ઉંધાં ચશ્માં’ કોલમના લેખોના આધારે પુસ્તકો પ્રસિધ્ધ થયાં છે. એ વાંચશો તો જલસો પડી જશે ને સીરિયલ કરતાં વધારે મજા આવશે તેની ગેરંટી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં આધાર તારક મહેતાની ‘દુનિયાને ઉંધાં ચશ્માં’નો છે પણ બીજું ઘણું બદલાયેલું છે. સીરિયલમાં મુખ્ય પાત્રોનાં નામ  કોલમમાં હતાં એ જ છે પણ એ સિવાય બીજું બધું બદલી નંખાયું છે. ટીવી સીરિયલના સ્વરૂપમાં ઢાળવા માટે અને ખાસ તો ટીવીના દર્શકોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો જરૂરી હતા. ટીવી સીરિયલને મળેલી જબરદસ્ત સફળતાએ આ વાત સાબિત કરી છે કેમ કે છેલ્લાં 14 વર્ષથી આ સીરિયલ ચાલે છે ને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.

‘દુનિયાને ઉંધાં ચશ્માં’ વાંચશો તો આ ફેરફારોનો ખ્યાલ આવશે.

////////////////////////////////////

તારક મહેતાની ‘દુનિયાને ઉંધાં ચશ્માં’નાં મૂળ પાત્રો એકદમ સામાન્ય લોકો જેવાં છે.  દરેક પાત્રની કંઈની કંઈ એવી ખાસિયત છે કે જેને તમે કદી ના ભૂલી શકો. તારક મહેતા પાસે વર્ણનની અદભઊત તાકાત હતી ને તેના આધારે કાર્ટૂનિસ્ટ દેવ ગઢવીએ કાગળ પર પાત્રો સર્જ્યાં. એ પાત્રો નજર સામે તરવરે ને એક અલગ જ અનુભવ થાય.

સામાન્ય માણસમાં હોય એવાં બધાં અવગુણો આ પાત્રોમાં છે ને અસલી મજા તેની છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલમાં બતાવાય છે એમ ભોળાંભટાક ને સદગુણોથી ભરપૂર પાત્રોના બદલે આપણી વચ્ચે રહેતાં લોકો જેવાં જ લાગે તેવાં આ પાત્રો તેમને વરસોથી વાંચનારા લોકોના મન પર એક અમિટ છાપ છોડી ગયાં છે. લુચ્ચાઈ, ચાલાકી, બેવકૂફી, ઈર્ષા, જાત જાતના દાવપેચ અને નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર ‘દુનિયાને ઉંધાં ચશ્માં’ની દુનિયાની મજા માણવા જેવી છે.

સીરિયલ જોનારા લોકો જેઠાલાલ, દયાભાભી, ટપુડો કે ચંપકલાલ જેવાં પાત્રોથી પરિચિત છે પણ તારક મહેતાની અસલી દુનિયા આ સીરિયલનાં પાત્રોથી આગળ છે ને ઘણી મોટી છે. આ પાત્રોને મૂળ કોલમમાં જે રીતે રજૂ કરાયાં છે તેના પર તમે વારી જશો. લોકોને પોતીકાં લાગે તેવાં પાત્રો અને વિશેષ તો આ કોલમ શરૂ થઈ એ ગાળામાં એટલે કે 1970ના દાયકામાં મુંબઈમાં રહેતા ગુજરાતીઓને પોતીકી લાગે તેવી પાઉડર ગલીમાં આવેલા માળાના માહોલ દ્વારા તેમણે દુનિયાને ઉંધાં ચશ્માં પહેરાવવાની જે ક્વાયત શરૂ કરી એ ફિદા થઈ જવાય એવી છે.

////////////////////////////////////

મુંબઈમાં રહેનારાં લોકોને પોતીકાં લાગે અને પોતાના જેવી જ હરકતો કરતાં પાત્રો તારક મહેતાની મૂળ કથામાં છે.  ગુજરાતીઓની ખાસિયતોને પકડીને તેમણે આ પાત્રોમાં એ ખાસિયતો નાંખી અને પછી એવી ઘટનાઓ સર્જી કે હાસ્યનું હુલ્લડ સર્જાય. સામાન્ય લોકોના જીવનમાં બનતા પ્રસંગોને હ્યુમરસ બનાવીને તારક મહેતાએ યાદગાર કોમેડી સર્જી છે.

તારક મહેતાની મૂળ કથામાં ફિદા થવા જેવી બીજી વાત હાસ્યસભર વર્ણનો છે. તારક મહેતા પાસે હાસ્યસભ વર્ણનો કરવાની ગજબનાક તાકાત હતી. કોઈ પણ પાત્રનું વર્ણન તારક મહેતાએ એ રીતે કર્યું છે કે, મરકી જ પડાય. ચોક્કસ પાત્ર માટે ચોક્કસ શબ્દો વાપરીને એ પાત્રને તમારી નજર સામે રમતું કરી દેવાની ક્ષમતાના કારણે તેમનાં પાત્રો જીવંત બન્યાં. દરેક લેખની શરૂઆતમાં આવતી સ્વગતોક્તિમાં તાજી ઘટનાઓને સાંકળી લેવાતી તેથી ગજબની જમાવટ આ લેખોમાં થઈ છે.

સીરિયલની પોતાની મર્યાદા છે તેથી બીજાં ઘણાં પાત્રો એવાં છે કે જેમને છોડી દેવાયાં છે. જેઠાલાલનો બે-માથાળો બોસ, ઓફિસનો સાથી પારેખ, સાઢુ ધીરજલાલ, સ્મગરલ સાળો સુંદર, હિંમતલાલ માસ્તર, જેઠાલાલ જેના પર ફિદા હોય છે એ માળાની હેમા માલિની રંજન અને તેનો પતિ કનુ માકાણી, માળામાં રહેતો ને આડાઅવળા ધંધા કરતો મટકા કિંગ વગેરે ગજબનાક પાત્રો તારક મહેતાએ સર્જ્યાં છે. મોદીએ રંજનને સીરિયલમાં બબિતાના પાત્રમાં રજૂ કરી છે.

આ પાત્રો જે કોમેડી સર્જે છે તેની મજા માણજો, જલસો થઈ જશે.

////////////////////////////////////

આ સીરિયલ કેમ આટલી સફળ થઈ ?

આ સવાલનો જવાબ સીરિયલની સરળતા, તેનાં પાત્રો અને તેના વિષયોની પસંદગીમાં છે. સાથે સાથે મૂળ કથાને વઘલી રહેવાના બદલે તેને મોડર્ન ટચ અપાયો એ પણ કારણ છે.

આશિષ કુમાર મોદીએ મૂળ કોલમથી અલગ બેકગ્રાઉન્ડમાં સીરિયલ રજૂ કરી ત્યારે તારક મહેતાની કોલમને વાંચનારા લોકોને લાગેલું કે, આ સીરિયલ નહીં ચાલે કેમ કે તેમણે વરસોથી જે પાત્રો જોયેલાં તેના કરતાં સીરિયલનાં પાત્રો અલગ હતાં. સીરિયલની કથા પણ અલગ હતી તેથી તારક મહેતાને વાંચનારા નિરાશ હતા પણ સીરિયલ જોનારા મોટા ભાગના લોકોએ તારક મહેતાને વાંચ્યા નહોતા તેથી એ બધા કોરી સ્લેટ જેવા હતા.

મોદીએ તેમને એક નવી જ દુનિયામાં પ્રવેશ કરાવ્યો. આ એવી દુનિયા છે કે જેમા રહેતાં પાત્રો લોકોને પોતાના જેવાં જ લાગે છે, ખાસ કરીને મધ્યમ વર્ગને. ભારતનો મધ્યમ વર્ગ પોતાના પાડોશીઓ સાથે હળીમળીને અને કૌટુંબિક ભાવના સાથે જીવવામાં માને છે. પાડોશીઓ સાથે હળવી નોંકઝોક ચાલ્યા કરે, એકબીજાની ખેંચ્યા કરે પણ એ છતાં બધાં એકબીજા સાથે જોડાયેલાં રહે છે. દોસ્તી અને સંબંધો નિભાવીને જીવે છે.

મોદીએ આ કૌટુંબિક ભાવનાને ઉજાગર કરીને મધ્યમ વર્ગને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો, કૌટુંબિક ભાવના અને સામાજિક મૂલ્યોને હાઈલાઈટ કર્યાં તેના કારણે જ સીરિયલ ચાલી ગઈ.