તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે) ના પ્રમુખ અંબુમણી રામદાસે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે પીએમકેએ એઆઇએડીએમકે સાથે હાથ મિલાવ્યા છે અને એનડીએ ગઠબંધનમાં જોડાયા છે.
એઆઇએડીએમકે તમિલનાડુમાં રાષ્ટ્રીય લોકશાહી જાડાણનું નેતૃત્વ કરે છે. અંબુમણી રામદાસે એઆઇએડીએમકેના મહાસચિવ ઇ. કે. પલાનીસ્વામીને તેમના નિવાસસ્થાને મળ્યા અને ઔપચારિક રીતે ગઠબંધનમાં જોડાયા. બેઠક બાદ, પલાનીસ્વામીએ કહ્યું, “પટ્ટાલી મક્કલ કાચી અમારા ગઠબંધનમાં જોડાયા છે. વધુ પક્ષો ટૂંક સમયમાં જોડાશે.” તેમણે વધુમાં જણાવ્યું કે પીએમકે માટે સીટ ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેની જાહેરાત પછી કરવામાં આવશે.
આ દરમિયાન,પીએમકે નેતા રામદાસે કહ્યું કે તેઓ જનવિરોધી શાસક ડીએમકેને હરાવવા માટે એનડીએમાં જાડાયા. પલાનીસ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએને મજબૂત જનાદેશ મળશે અને એઆઇએડીએમકે એકલ બહુમતી સાથે સરકાર બનાવશે.પીએમકે પાર્ટી તેના સ્થાપક ડા. એસ. રામદાસ અને તેમના પુત્ર ડા. અંબુમણિ વચ્ચેના સત્તા સંઘર્ષ બાદ વિભાજીત થઈ ગઈ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી એનડીએનો ભાગ હતી. આ વર્ષે માર્ચ-એપ્રિલમાં ૨૩૪ વિધાનસભા બેઠકો માટે ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે.
એનડીએમાં જોડાયા બાદ, પીએમકેના પ્રમુખ અંબુમણી રામદાસે કહ્યું, “તમિલનાડુના લોકો શાસક ડીએમકે પાર્ટીથી ખૂબ ગુસ્સે છે. મહિલા સુરક્ષા, ખેડૂતોનો અસંતોષ, બેરોજગારી અને સામાજિક ન્યાય જેવા મુદ્દાઓ પણ છે. ડીએમકે છેલ્લી ત્રણ ચૂંટણીઓ જીતી હતી કારણ કે વિપક્ષ વિભાજીત હતો. ટૂંક સમયમાં વધુ પક્ષો એનડીએમાં જોડાશે.
આ દરમિયાન, એઆઈએડીએમકેના વડા પલાનીસ્વામીએ પાર્ટીના કાર્યકરોને ચૂંટણી ટિકિટનું વચન આપતા વચેટિયાઓથી સાવધ રહેવા ચેતવણી આપી છે. પલાનીસ્વામીએ પાર્ટીના કાર્યકરોને આગામી વિધાનસભા ચૂંટણી માટે પૈસાના બદલામાં ટિકિટનું વચન આપતા વચેટિયાઓ અને કૌભાંડીઓ સામે ચેતવણી આપી છે.







































