જાહેરજીવનમાં સારું વકતૃત્વ આશીર્વાદ છે અને તર્કશુદ્ધ, શબ્દપ્રચૂર, અવતરણો, ઉદાહરણોથી ભરપુર વાક્છટા જાહેરજીવનમાં પ્રગતિનો એક મુખ્ય આધારસ્તંભ છે. જો તમારી ભાષા પર પકડ છે, જે બોલવા ઉભા થયા છો એ વિષયનું જ્ઞાન છે તો તમે સામાવાળાને શબ્દોથી તમારો દ્રષ્ટિકોણ સમજાવી શકો છો, તમારા મત સાથે સહમત કરી શકો છે, કે હરાવી શકો છો. રાજકારણમાં કર્મ અને શબ્દ બેના સહારે સફળતા મેળવી શકાય છે. પ્રજા લાંબા ગાળે તમારું કામ કે શબ્દો કે બંને જ યાદ રાખે છે. બાંસઠનું યુદ્ધ ચીન સામે હારી ગયા બાદ સંસદમાં વડાપ્રધાન નહેરુ દેશને જસ્ટિફીકેશન આપી રહ્યા હતા, એમણે એક દલીલ એવી આગળ ધરી કે ચીને હડપેલી ૩૮૦૦૦ વર્ગ કિલોમીટર જમીન બંજર છે ત્યાં ઘાસનું એક તણખલું પણ ઉગતું નથી. એ જમાનો તલવાર જેવા સત્ય શબ્દો વાપરીને રાજનીતિ કરવાનો હતો. દેશપ્રેમ નેતાઓના ખૂનમાં હજુ વહી રહ્યો હતો, વિપક્ષ કોઈ વિદેશી ફંડિંગ કે વિદેશી નેતા કે બીજા કોઈ દેશના એજન્ડા આધારે કામ નહોતો કરતો. મહાવીર ત્યાગી નામના સાંસદે નહેરુને જવાબ આપ્યો… “ એમ તો વડાપ્રધાનના માથા પર એકપણ વાળ નથી ઉગતો, એથી એ માથું નકામું નથી બની જતું…”
તમે બનાવેલા પુલો પડી જશે, યોજના બંધ થઇ જશે, ઈમારતો જર્જરિત થઇ જશે, તમે ઉદ્ઘાટિત કરેલા કોઈ એકમની તકતી પર તમારું નામ અવાચ્ય થઇ જશે તો પણ તમે ઉચ્ચારેલા શબ્દ સમય સંજોગ અનુસાર ચિરકાળ સુધી પ્રગટતો રહેશે. એ શબ્દ તમારો હોવો જરૂરી છે. આમાં ઉધારી નથી ચાલતી. તમારો શબ્દ તમારો મિજાજ છે, એ તમારા ગળામાંથી તમારા લોહીનું ઉષ્ણતામાન લઈને ફેંકાય છે. ઉછીનો શબ્દ થોડું ચાલીને હવામાં ઓગળી જાય છે. બીજાના શબ્દો જયારે તમે ઉચ્ચારો છો ત્યારે તમે એ વ્યક્તિના પ્રતિનિધિ માત્ર બની જાઓ છો.
ભારતની સંસદમાં આજે ચર્ચા ચાલી રહી છે. ચર્ચા ભારતીય સેનાએ કરેલા પરાક્રમ ઓપરેશન સિંદૂર અંગે ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર થયું હતું કે કેમ ? ભારતીય સેનાના કેટલા વિમાન તૂટ્યા ? એક વખત આ સવાલો પાકિસ્તાન તરફથી પુછાતા હોય એમ લાગશે, પણ આ સવાલો ભારતના વિપક્ષના છે. સંસદમાં બોલાયેલો શબ્દ રેકોર્ડ થાય છે, પચાસ વર્ષ બાદ એ ગૃહમાં બેઠેલા તમારા શબ્દો ખોદીને તમારી વિરુદ્ધમાં વાપરી શકે છે. જે તે સમયે સેનાના આલા અધિકારીઓ દ્વારા ઓપરેશન અંગે જાણકારી પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ દુનિયા સામે રાખવામાં આવી હતી. આજે જે સવાલો ઓપરેશન સિંદૂર અંગે પૂછવામાં આવી રહ્યા છે તેના જવાબો એ કોન્ફરન્સમાં આપી દેવામાં આવ્યા હતા. પણ ભારતમાં નેતાઓનો એક ચોક્કસ વર્ગ છે જે સેનાના પરાક્રમમાં વિશ્વાસ નથી કરતો. ભારત વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જ્યાંનો વિપક્ષ દેશની સેનાના કોઈ પરાક્રમ અંગે હમેશા સાબિતીઓ માંગતો ફરે છે. સંસદમાં ચર્ચાની માંગણી કરે છે. જે આઘાત દુશ્મન દેશ પાકિસ્તાન પર થયો છે, એનો ઇનકાર પાકિસ્તાન પણ નથી કરતું, જે ભારતનો વિપક્ષ કરી રહ્યો છે. ભારત વિરોધી બધા નિવેદનો, જે વિશ્વના કોઈપણ દુરીતીરી કક્ષાના દેશના છગ્ગુંપંજુએ વાપરેલા હોય, એ ભારતની સંસદમાં ભારતની વિરુદ્ધ વાપરવામાં આવે છે.
આજે માલેગાવ કેસનો ચુકાદો આવી ગયા બાદ જે તે સમયે કોંગ્રેસના નેતાઓ દ્વારા ‘હિંદુ આતંકવાદ’, ‘ભગવા આતંકવાદ’ જેવા શબ્દનો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એક ઘટનાને લઈને દેશના બધા હિન્દુઓને આતંકવાદી સાબિત કરવાનો એક નેરેટિવ ચલાવવામાં આવ્યો હતો. એ શબ્દ ફરીથી સપાટી પર આવી ગયો છે. કાલખંડની એક સતહ ખુલી ગયા બાદ શબ્દ પાતાળમાંથી જવાળામુખી બનીને ફાટી શકે છે. શબ્દ અમર છે. માણસ શબ્દ કરતા ખુબ વહેલો મરી જાય છે. અમેરિકન પ્રમુખ લિંકને ગ્રેટીસબર્ગમાં બોલેલા શબ્દો કે ‘……. આપણે અહી જે કહીશું તેની જગત ભાગ્યે જ નોંધ લેશે, લાંબુ યાદ પણ નહિ રાખે ……’ આજે એકસો બાંસઠ વર્ષ બાદ પણ બે મિનિટના ટૂંકા વ્યક્તવ્યને ખુબ યાદ કરાય છે.
રેફરન્સ કે આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ જે નેતાઓ કરી રહ્યા છે, એણે ઇતિહાસનો ગહન અભ્યાસ કરવો જરૂરી છે. જુના શબ્દોને પકડવા માટે અભ્યાસના દરિયામાં ઉંડી ડૂબકી લગાવવી પડે છે. જુનો સંદર્ભ ટાંકવા માટે તેનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ ચર્ચામાં હિસ્સો લીધા વિના, એક શબ્દ બોલ્યા વિના સંસદની બહાર આવીને, કોફી પીતા પીતા ટીવી ડીબેટમાં બેસીને, વિદેશી યુનિવર્સીટીમાં પચ્ચીસ ત્રીસ વિદ્યાર્થીઓની સામે જઈને માઈક સામે મોઢું ફાડતા પહેલા દશ વખત વિચારવું જરૂરી છે. સવાર બપોર સાંજ જેના શબ્દો અલગ પડતા હોય એ રાજનેતાની આબરુ જનતા વચ્ચે મચ્છી માર્કેટમાં બેસતા પાથરણા વાળા જેટલી થઇ જાય છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ રોજ સવારે ઉઠીને કોઈ નવા દેશને ધમકી આપે છે, સાંજે ફરી રાહત આપે છે, બીજી સવારે ફરી ધમકી આપે છે. યુક્રેન જેવા યુદ્ધગ્રસ્ત દેશના વડા સાથે ચાલુ પ્રેસવાર્તા દરમિયાન શાબ્દિક ઝપાઝપીમાં ઉતરી
આભાર – નિહારીકા રવિયા પડે છે. અમેરિકન પ્રેસિડેન્ટ વિશ્વના સૌથી તાકતવર રાજકીય શખ્સિયત ગણાય છે. કોઈ મુદ્દે એમના નિવેદનની દુનિયા આખી કાગડોળે રાહ જુએ છે. તેના શબ્દો અહેમિયત રાખે છે. ટ્રમ્પે છાસવારે દુનિયાના ક્ષુલ્લક મુદ્દાઓ પર નિવેદનો ઉછાળીને, દરેક બે દેશ વચ્ચેના ફાટેલામાં પગ નાખીને પદની ગરિમા ઓછી કરી નાખી છે. શબ્દ સ્થિર ન રહે તો વ્યક્તિની કારકિર્દી અસ્થિર થઇ શકે છે.
ક્વિક નોટ – વાક્છટા એ સમજાવટનું એક કૌશલ્ય છે જે યોગ્ય અને અયોગ્ય બાબતે એક માન્યતા સર્જે છે, પણ તે વિશે કશી માહિતી નથી આપતી. – સોક્રેટીસ
production@infiniumpharmachem.com