ધારીમાં બે પક્ષોમાં નજીવી વાતમાં માથાકૂટ થઈ હતી. બનાવ અંગે પંકજભાઈ બાબુભાઈ ખેતરીયા (ઉ.વ.૨૩)એ ગૌતમભાઈ રવજીભાઈ દાફડા, સાગભાઈ રવજીભાઈ દાફડા તથા રવજીભાઈ કાળુભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના પિતા બાબુભાઈ ખેતરીયાએ મકાનના ફળિયાની દીવાલ બનાવી હતી. જેથી આરોપીએ તેમને કહ્યું કે, ‘તમારી દીવાલના લીધે અમારું મોટું વાહન બજારમાંથી નીકળી શકતું નથી’ તેમ કહી ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગૌતમભાઈ રવજીભાઈ દાફડા (ઉ.વ.૨૫)એ બાબુભાઈ અમરાભાઈ ખેતરીયા, પંકજભાઈ બાબુભાઈ ખેતરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બાબુભાઈ ખેતરીયાએ જાહેર બજાર બાજુ દીવાલ કરતાં બજાર સાંકડી થઈ ગઈ હતી. જેથી તેમનું વાહન બજારમાંથી નીકળી શકતું નહોતું. આ બાબતે રજૂઆત કરતાં આરોપીને સારું નહોતું લાગ્યું અને લાકડાના બડાથી મુંઢમાર માર્યો હતો તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.









































