આજની સાંજ સંધ્યા ટાણે સમજુબાએ હવે ગામતરેથી પરત આવી ઘરની ડેલીમાં પગ મૂક્યો. જેવો ડેલીમાં પગ મૂક્યો એ સાથે જ તેના હૃદયને, તેના હૈયાને એક હળવો એવો આંચકો લાગ્યો. કંઇક અલગ જ પ્રકારનો સંકેત અગાઉથી તેને આવી ગયો. એટલે ઘડીભર તો અંદર જતાં તેઓ થોડાં ખચકાયાં. પરંતુ હિંડોળા પર જરા આડા થયેલા દીકરા દામલને જાયા પછી તેઓ ઝડપથી હરખભેર ઓસરીનાં પગથિયાં ચડી ગયાં.
પરંતુ બા આવ્યાં તેની જાણ દામાને હજી ન હતી. તે તો બંધ આંખે સ્થિર થયેલા હિંડોળા પર જીવતી લાશની જેમ પડયો હતો.
“દામા…, એય દામા…ઊંઘ આવી ગઇ છે… તને ? ” બાએ જરા મોટા અવાજે પૂછયું.
“હેં…. હેં…. બા, તમે આવી ગયાં… ?” એમ બોલતાંની સાથે જરા ધ્રુજી જઇ દામલ સફાળો બેઠો થઇ ગયો. પછી થોડો અચકાઇને બોલ્યો હતો ને પછી ડરથી પોતાની આંખો રૂમાલથી લૂંછતાં બા સામે એકીટશે જાતો રહ્યો.
આજની અત્યારની પુત્રની દ્રષ્ટિમાં બા… ને જાણે ઘણો જ ભેદ જાવા મળ્યો. પુત્રની આવી સ્થિતિ, આવું રૂપ, આવી દશા પોતાની જિંદગીમાં તેણે કયારેય જાયેલ ન હતી. ફુલેલું મોઢું, હોઠ થોડા સૂજી ગયેલા, વાળ અસ્તવ્યસ્ત… ને આવું બધું જાતાં બા હચમચી ગયાં, પડી ભાંગ્યા. તેઓ રડું રડું થઇ ગયા હોવા છતાં પણ વાંકા વળી દીકરાના કપાળ પર હાથ મૂકતાં બોલ્યો: “ બેટા, તને કંઇ થયું તો નથી ને ? તારી આવી અને આટલી ખરાબ હાલત મેં કોઈ દિવસ જાઇ નથી, અને હા, જ્યોતિ તેના રૂમમાં છે… ?”
બાનો આ પ્રશ્ન સાંભળતા દામો સાવ નિરૂત્તર જ રહ્યો. એટલું જ નહીં પરંતુ આ સાથે જ તેણે તેની આંખો પણ બંધ કરી દીધી. એટલે બાએ જરા કઠોર અને મોટા અવાજે વળી પૂછયું: “હું તને પૂછું છું તે કંઇ જ સંભળાતું નથી ? આ તારી મા… તને પૂછે છે તેનો જવાબ કેમ નથી આપતો ? ”
“હું શું જવાબ આપું બા…” આંખો બંધ રાખી દામો એમ જ બોલ્યો. ત્યાં તો બા… ને ફાળ પડી ગઇ. તેઓ ખૂબ ગભરાયાં, શ્વાસ પણ ખૂબ વધ્યાં એટલે હવે તો રીતસર દામાનો હાથ પકડી તેઓ બોલ્યાં :
જવાબ આપતા જરાપણ ગભરાવાનું નહીં, બેટા ! જે હોય તે તું સાચે સાચું કહે…”
“જ્યોતિ તો આજે વહેલી સવારમાં જ ચાલી ગઇ છે, તે તેના ઘરે વિસાવદર ચાલી ગઇ છે, બા… હવે તે કયારેય કમળાપુર પાછી નહીં આવે…”
“પણ… શા માટે બેટા ? એકાએક તે શું કામ ચાલી ગઇ ? કંઇ તારા તરફથી…”
“ના….બા, તમે મારા વિશે એવું ન વિચારો, તેના ઘરેથી બધાએ તેને તેડાવી લીધી છે. તેને હવે નોકરી કરવાની જરૂર નથી. બસ…, આવો તેના ઘરના તમામ સભ્યોનો નિર્ણય હતો…” દામલ માંડ માંડ આટલું બોલ્યો.
“હેં કાળીયા ઠાકર… ! તે આ શું કર્યું ? તને મારી જરાપણ દયા ન આવી ? મેં તો કેવા કેવા સપનાં સજાવ્યા હતા. તમારા બન્નેની જાડી કેટલી અને કેવી સુંદર લાગતી હતી. શું ખામી હતી મારા દામામાં ? કાશ…! મારૂં સપનું તો હવે રોળાઇ જ ગયુ. હે નાથ…! હવે અમે મા દીકરો શું કરશું ? ” આટલું કહીને બા સાચે જ ડૂસકે ડૂસકે રડવા લાગ્યાં. ઘણું ઘણું રડયા, રડતાં રડતાં પણ તેઓ બોલ્યાં :
“દીકરા દામા, મારી આવવાની રાહ પણ એણે ન જાઇ ? આટલી બધી ઉતાવળ ? મેં તેનો શું કંઇ ગુનો કર્યો છે ? મેં તો તેને સગી દીકરીની જેમ જ રાખી હતી, ને મને જ આવો બદલો …? ”
ત્યારે હવે છેલ્લે દામો બોલ્યો:
“બા…, સાવ એવું તો નથી… તમે કહો છો એવી એ નથી. એ તો તમને યાદ કરીને ખૂબ ખૂબ રડી હતી. અને જતાં જતાં પણ કહેતી હતી કે, મને જન્મોજન્મ આવા બા મળે ! પરંતુ તમારી હાજરીમાં આ ઘર છોડતાં તેની હિંમત ન થઇ. કારણ કે તમને કંઇ થઇ જાય તો ? શું નું શું થઇ જાય તેવી બીકે, તેવા ડરથી તમારી ગેરહાજરીમાં જ વહેલી વહેલી ચાલી ગઇ. જા તમને કંઇ થઇ જાય તો દોષનો ટોપલો તેના પર ન આવે એટલા માટે જ તમારી ગેરહાજરીમાં ચાલી નીકળી… એ કહેતી હતી કે, બા…ને તો હું જિંદગીભર ભૂલી શકીશ નહીં… ”
(ક્રમશઃ)