અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે ધર્મના નામે ચાલી રહેલા એક મોટા પાખંડનો પર્દાફાશ થયો છે. ગામના રહેવાસી અરજણભાઈ રુડાભાઈ ખુમાણે અગાઉ જાહેરાત કરી હતી કે, તેઓ ૧ એપ્રિલના રોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા દરમિયાન સ્વેચ્છાએ પોતાના પ્રાણનો ત્યાગ કરશે. આ જાહેરાત બાદ અંધશ્રધ્ધાના વશમાં આવીને લોકો તેમના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્‌યા હતા. જોકે, આ ઘટનાની જાણ થતાં જ ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્‌યા અને સ્થાનિક પોલીસની ટીમ સમયસર સક્રિય થઈ ગઈ હતી. વિજ્ઞાન જાથાએ તંત્રને રજૂઆત કરી હતી કે આવી ઘટનાઓ પાછળ ઘણીવાર મોટું આર્થિક ષડયંત્ર હોય છે, જેમાં વ્યક્તિને ઝેરી પદાર્થ આપી મારી નાખવામાં આવે છે અને બાદમાં ત્યાં ડેરી બનાવીને અંધશ્રધ્ધાના નામે કમાણી કરવામાં આવે છે. સદનસીબે, પોલીસ અને વિજ્ઞાન જાથાની ત્વરિત દખલગીરીને કારણે આ ગંભીર તૂત અટકી ગયું છે.