ઢસા–દામનગર રાજ્ય ધોરી માર્ગ પર આવેલાં વર્ષોથી અતિ જુના અને જર્જરિત બની ગયેલા પથ્થરના નાળા-પુલિયાને બદલીને આધુનિક અને મજબૂત આર.સી.સી.ના નાળા-પુલિયા બનાવવાની મહત્વપૂર્ણ યોજનાનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોજેક્ટ માટે કુલ રૂ.૯.૯૨ કરોડની માતબર રકમ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ રોડ પર હાલમાં કુલ ૯ જેટલા પથ્થરના નાળા-પુલિયા આવેલા છે. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ઢસા–દામનગર રોડ આ વિસ્તાર માટે અત્યંત મહત્વનો માર્ગ છે જેમાં ખેડૂતોએ પોતાની કૃષિ પેદાશ બજારમાં પહોંચાડવી, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તથા સામાન્ય નાગરિકોની આવન-જાવન સરળ બને તે હેતુથી આ વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ, સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ આ વિકાસ કાર્ય બદલ રાજ્ય સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.







































