ડોળાસા નજીકના કાણકિયા ગામે વહેલી સવારે એક સિંહણે ઘરના ફળિયામાં ઘૂસી ૫૯ વર્ષીય વૃદ્ધા કમળાબેન આત્મારામ દેશાણીને ફાડી ખાતા ભારે ભય અને આક્રોશનો માહોલ છવાયો છે. વન વિભાગની નિષ્ક્રિય કામગીરી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કમળાબેન વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ ઘરના ફળિયામાં આવેલા બાથરૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે અંધારામાં તેમને સિંહણ અને તેના બચ્ચા દેખાયા ન હતા. સિંહણે તેમના પર જીવલેણ હુમલો કરી ગળું પકડી લીધું, જેનાથી તેમનું મૃત્યુ થયું. સિંહણ તેમનો મૃતદેહ ફળિયામાં લગભગ સો ફૂટ દૂર ઢસડી ગઈ અને તેમના બંને પગ ખાઈ ગઈ હતી, જેના કારણે ભારે અરેરાટી ફેલાઈ છે. આથી ગ્રામજનો ડરી-ડરીને ખેતરોમાં કામે જાય છે. જો વન વિભાગ તાત્કાલિક આ વન્યપ્રાણીઓને ગીરના જંગલમાં પાછા નહીં લઈ જાય તો આવી ઘટનાઓ રોજિંદી બની જશે. સ્થાનિકો ગુજરાત સરકાર દ્વારા આ બાબતે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને વન્યપ્રાણીઓ જંગલ છોડી માનવ વસ્તી તરફ શા માટે આવે છે તેની તપાસની પણ તાતી જરૂરિયાત જણાવી રહ્યા છે.