ડોળાસા નજીકના સોનારી ગામની પ્રાથમિક શાળાને પર્યાવરણ કામગીરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓના કુલ ૨૫૨૫ પર્યાવરણ પ્રેમી શિક્ષકોનો એક ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન અને વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સરગાસણના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે માનનીય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, માધ્યમિક શિક્ષણના ઉપસચિવ પુલકિતભાઈ જોષી, તેમજ જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના સચિવ ડુમરાળીની ખાસ ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત થયા હતા. ગીર સોમનાથ જિલ્લાના કુલ ૨૦ શિક્ષકો પૈકી ઉના તાલુકાની શ્રી સોનારી પ્રાથમિક શાળાના દંપતી શિંગડ ભરતકુમાર આર. અને ચુડાસમા વિજયાબેન બંનેને તેમની સ્કૂલની પર્યાવરણ પ્રવૃત્તિઓ માટે આ કાર્યક્રમમાં સન્માનવામાં આવ્યા હતા. તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને અન્ય મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષક મિત્રોના ઉમદા કાર્યની રાજ્ય કક્ષા સુધી નોંધ લેવાતા સોનારી શાળા પરિવાર અને ગ્રામજનો ખુશી અને ગૌરવની લાગણી અનુભવે છે.