ડોન બ્રેડમેનની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેમણે તેમના યુગમાં ક્રિકેટની દુનિયા પર રાજ કર્યું હતું અને તેમને જોઈને ઘણા યુવા ખેલાડીઓએ ક્રિકેટર બનવાનું નક્કી કર્યું. હવે ૧૯૪૬-૪૭ની એશિઝ શ્રેણી દરમિયાન ડોન બ્રેડમેન દ્વારા પહેરવામાં આવેલી કેપ ઓસ્ટ્રેલિયાના નેશનલ મ્યુઝિયમ દ્વારા ખરીદી લેવામાં આવી છે.
અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયાના નેશનલ મ્યુઝિયમે ડોન બ્રેડમેનની કેપ ખરીદવા માટે ભારે કિંમત ચૂકવી છે અને તેને છેંઇં૪૩૮,૫૦૦ માં ખરીદી છે. ભારતીય નાણાંમાં આ રકમ લગભગ ૨.૫૨ કરોડ (૨૫૨૯૧૯૫૫.૭૯ રૂપિયા) છે. ફેડરલ સરકારે તેની કિંમતનો અડધો ભાગ ફાળો આપ્યો છે. બ્રેડમેને ૧૯૪૬-૪૭ની એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન તરીકે આ કેપ પહેરી હતી, જે બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ શ્રેણી હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૩-૦થી ટેસ્ટ શ્રેણી જીતી.
કલા મંત્રી ટોની બર્કે કહ્યું કે તમને ભાગ્યે જ કોઈ ઓસ્ટ્રેલિયન મળશે જેણે મહાન ડોનાલ્ડ બ્રેડમેન વિશે સાંભળ્યું ન હોય, જે કદાચ સર્વકાલીન મહાન ક્રિકેટર છે. ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં તેમની ટોપી રાખવાથી, આપણા દેશની મુલાકાત લેનારા લોકોને આપણા રમત અને ઇતિહાસને નજીકથી જાણવા અને જોડવાનો મોકો મળશે.
ડોન બ્રેડમેને ૧૯૨૮ માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, તેમણે ઓસ્ટ્રેલિયા માટે ૫૨ ટેસ્ટ મેચોમાં કુલ ૬૯૯૬ રન બનાવ્યા, જેમાં ૨૯ સદી તેમના બેટમાંથી આવી. આ દરમિયાન, તેમણે ૧૩ અડધી સદી પણ ફટકારી. ખાસ વાત એ છે કે ૫૨ ટેસ્ટ મેચ દરમિયાન તેમનો સરેરાશ ૯૯.૯૪ રહ્યો. તે જ સમયે, પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં, તેમણે ૨૮૦૬૭ રન બનાવ્યા અને ૧૧૭ સદી ફટકારી.