રાજુલાના ડુંગર ગામે લગ્ન પ્રસંગમાં ફોટા પાડવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને એક ગંભીર હુમલાની ઘટના સામે આવી હતી. આ બનાવમાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સીકન્દરભાઇ યુનુસભાઇ ગાહાએ સાજીદભાઇ દોસુભાઇ ગાહા, ફારુકભાઇ યુસુફભાઇ ગાહા, ફીરોજભાઇ યુસુફભાઇ ગાહા તથા સમદભાઇ દોસુભાઇ ગાહા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના મોટા બાપુના દીકરાના લગ્ન પ્રસંગમાં ફોટા પાડવા બાબતે તેમની અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો. તેઓ અને સાહેદ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ રસ્તામાં તેમને આંતરીને હુમલો કર્યો હતો.હુમલા દરમિયાન અન્ય લોકો વચ્ચે પડી જતાં મામલો વધુ બિચકતા અટક્યો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને રાજુલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે બાદ સાજીદભાઇ દોસમહમદભાઇ ગાહા (ઉ.વ ૨૯) એ સિકંદરભાઇ યુનુસભાઇ ગાહા, દિલશાદભાઇ યુનુસભાઇ ગાહા, શબ્બીરભાઇ મકરાણી તથા ઇન્તીયાઝભાઇ અબાભાઇ ગાહા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આરોપીના કાકાના દિકરા તન્વીરભાઇના લગ્ન પ્રસંગમા હાજર હતા અને ફોટા પડાવવા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ આરોપીએ લાકડી વડે તેમને પીઠના ભાગે મુઢમાર માર્યો હતો તેમજ જમણા હાથે મુંઢ માર માર્યો હતો. જે બાબતની દાઝ રાખી તેઓ તેમની દુકાને જતા હતા ત્યારે ડુંગર ગામે બસ સ્ટેશન પાસે આરોપીઓએ તેમને શરીરે ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. તેમજ માથાના ભાગે લોખંડનો પાઇપ મારી શરીરે મુંઢ ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એ એ ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.