યુનિવર્સીટી પોલીસ મથકમાં સાત માસ પૂર્વે ડીસીપીની સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન પીધેલા ઝડપાયેલા બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ દારૂ ઢીંચી ફરજ પર આવેલા બે પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહ અશોકસિંહ વાઘેલા અને જયવિર જીતુભાઈ ગઢવી સામે પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી મુજબ યુની. પોલીસ મથકનાં તત્કાલીન પી.આઈ. વસાવાએ ગઈ તા. ૫.૧૨.૨૦૨૫ નાં બન્ને કોન્સ્ટેબલોએ દારૂ ઢીંચ્યાની શંકા પરથી તેમનાં બ્લડ સેમ્પલ સિવિલ હોસ્પિટલ ખાતે લેવડાવ્યા હતાં.
જે એફએસએલમાં ગયા હતાં. જયાંથી કોન્સ્ટેબલ રાજદિપસિંહ (રહે, ભક્તિપાર્ક, રેલનગર)ના શરીરમાં ૦.૦૭૦૬ આલ્કોહોલની હાજરી મળી હતી. જયારે બીજા કોન્સ્ટેબલ જયવીર (રહે, જીવનનગર-૩, બ્રહ્મસમાજ ચોક)ના શરીરમાંથી ૦.૦૭૭૨ આલ્કોહોલની હાજરી મળી હતી.
જેથી આ બન્ને કોન્સ્ટેબલો સામે પીએસઆઈ રાઠોડે સરકાર તરફે ફરીયાદી બની પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. બન્ને ગુના અલગ અલગ દાખલ કરાવવામાં આવ્યા છે. સામાન્ય નાગરીક હોય તો દારૂ પીવાના કેસમાં પોલીસ તાત્કાલીક ગુનો દાખલ કરે છે. જયારે આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલો હોવાથી એફએસએલનાં અભિપ્રાયની રાહ જાવાઈ હતી.