નવા રતનપરમાં હું એકડીયું-બગડીયું-તગડીયું ભણતો ત્યાં સુધી ગામના રામજી મંદિરના પૂજારીથી લઈને ઢોલી સુધીના અને કોઈ દારૂ દારૂડીયાથી લઈને વણકર સુધીના લોકો મને રમાડવા લઈ જતા. આમ જુઓ તો મારી સાથે રમતા. હું એ વખતે પુખ્ત વયના લોકોનું લાડીલું રમકડું હતો. મારા બાપાના કારણે તો નહીં, પરંતુ કરશન દાદાના કારણે હું ગામ આખાનો લાડીલો છોકરો હતો. કરશન દાદાની ઇમેજ એક ડોન જેવી હતી. એમની હાંક વાગતી. એટલે એમનો પ્રેમ મેળવવા માટે અથવા તો એમને ‘‘રમાડવા’’ માટે બધા મને પ્રેમ કરતા અને પ્રેમથી રમાડવા લઈ જતા. ટૂંકમાં, પ્રેમથી રમાડવા લઈ જનાર કરશન દાદાની ગુડ બુકમાં રહેતા.
ડાહ્યા કાકા મને એમના ખભે બેસાડીને એમના ઘેર રમાડવા લઈ જતા. એમની બાજુમાં રમતો અને એમને શાળ ઉપર કામ કરતા જોતો જ રહેતો. બન્ને બાજુથી વચ્ચે આવતું એક મીડિયમ સાઇઝનું રાંઢવું એ આમથી આમ ખેંચતા હોય એ દ્રશ્ય આજે પણ ભૂલાતું નથી. એ દિવસોમાં હરિજનો એટલા તાકતવર હતા અને બીજા લોકો એટલા નબળા હતા કે હરિજનના અડવાથી અભડાઇ જતા. (રાષ્ટ્રપિતા ગાંધીએજીએ આપેલા હરિજન માટે હવે દલિત શબ્દ વપરાય છે અને છેલ્લે હવે દલિત શબ્દ સામે પણ કેટલાક દલિતોને વાંધો છે, એ એક અલગ વાત છે.) એટલે હરિજનવાસમાં લોકો જતા નહીં. પણ મારા કરશન દાદા તરફથી બધે જવાની છૂટ હતી. એટલે ડાહ્યા કાકા મને એમના ઘરે બિન્દાસ્ત લઇ જતા. ડાહ્યા કાકા મને બહુ ગમતા અને હું ડાહ્યા કાકાને બહુ ગમતો. એમનો સ્વભાવ બહુ મોજીલો. મને કહેતા – ‘‘નાણિયા, હાલ્ય ખટક-પટક જોવા…’’
પછી મારા મધરને એ કહેતા – ‘‘ચોથી કાકી, નાણિયાને લઇ જાંવં સંવં…’’
મારા મધર કહેતા – ‘‘હા, પાસો મૂકી જાજ્યો…’’
-અને બસ, પછી તો ડાહ્યા કાકા મને એમના ખંધોલે બેસાડીને અથવા તો મારી આંગળી પકડીને ચોક વચ્ચેથી સરાજાહેર વટીને હરિજનવાસમાં એમને ઘેર લઈ જતા. એ એમના ખટક-પટક પર બેસીને ખટક-પટક કરતા અને હું જોતો રહી જતો. શાળ નામના એ સંચાનું નામ હું જાણતો નહોતો. હું ગમે તે વસ્તુનું નામ પૂછવાને બદલે મોજ આવે તે નામ હું પાડી દેતો. આ મશીનમાં ‘‘ખટક-પટક’’ અવાજ આવે એટલે મેં એનું નામ ખટક-પટક પાડેલું. આ નામ ડાહ્યા કાકા અને મારા મધરે તેમની અ-લિખિત ડિક્શનરીમાં સ્વીકારેલું.
‘‘ખટક-પટક’’ શબ્દ હું સંજ્ઞા અને વિશેષણ, ક્રિયાપદ વિશેષણ ઉપરાંત ક્રિયાપદ તરીકે પણ પ્રયોજતો. ક્યારેય હું ડાહ્યા કાકાને કહેતો – ‘‘ડાયા કાકા મને ખટક-પટક કરવા દ્યો ને…’’
ડાહ્યા કાકા મોટા ભાગે ના પાડતા.
‘‘બટા, તન્ નૈ આવડે, વાગી જાહે…’’
હું ક્યારેય બહુ જીદ કરું તો એ મને ખટક-પટક ઉપર બેસાડતા. પણ મને નહોતું ફાવ્યું. ડાહ્યા કાકા સાથે ફાવ્યું, પણ એમનું ખટક-પટક મારું બહુ ગમતું મશીન હોવા છતાં એની સાથે ન ફાવ્યું…
બસ પછી તો એ નખરાળું નાનપણ ખતમ થયું. હું રતનપરથી દૂર થયો. ડાયા કાકાથી પણ દૂર થવાયું. પણ ડાહ્યા કાકા મનથી દૂર થયા ન હતા. ક્યારેક હું રતનપર આવતો અને ડાયા કાકા ક્યાંક રસ્તામાં મળી જતા તો હું ઉભો રહી જતો. અમે વાતે વળગી જતા. ડાયા કાકા છાંટો પાણી કરવાના શોખીન હતા. જ્યારે પણ મળે ત્યારે એ રાજાપાઠમાં જ હોય. એ પીધેલા હોય ત્યારે મને એમની સાથે વાત કરવાની મજા પડતી. કોઈ જ પ્રકારના દંભ વગરની વાત હોય. એમની રૂઆબસભર મોજીલી વાતો હોય.
પણ એક દિવસની વાત ભાવનગર ‘‘ગુજરાત સમાચાર’’માં હું ક્રાઈમ રિપોર્ટર તરીકે ટેલિફોનિક રાઉન્ડ અપમાં હતો અને પોલીસમાંથી મને એક એ.ડી.ની વિગતો મળી. હેડિંગ બનતું હતું: ‘‘નવા રતનપર ગામે ગળેફાંસો ખાઈ આધેડનો ભેદી આપઘાત’’.
આ સમાચારની વિગતો મળતાં જ મારા દિમાગ પર ખટક-પટક ખટક-પટક ખટક-પટક થયા જ કર્યું. બહુ જ ખટક-પટકભરી મનોસ્થિતિમાં મેં એ મેટર પૂરી કરી હતી…
આજે પણ કોઈ વણાટકામની કે વણાટ મશીનની વાત કરે તો મારા કલ્પનાપટ ઉપર ડાહ્યા કાકા ઉપસ્થિત થાય છે અને એમનું ખટક-પટક દેખાવા લાગે છે. ખટક-પટકનો એ જોશીલો ખટપટાટ આજે પણ મને એટલો જ તાજો સંભળાય છે. ખટક-પટક, ખટક-પટક, ખટક-પટક…
( તસવીર સૌજન્ય: મોહન પરમાર, તસવીર પ્રતીકાત્મક છે.) હટ્ઠટ્ઠિહહ્વટ્ઠટ્ઠિૈઅટ્ઠ૨૭૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ












































