સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરમાં દિવાળી નિમિત્તે હાટડી દર્શન યોજાયા હતા. રાત્રે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ વેપારી બન્યા હતા. હાટડી ભરી શેઠ બની ડાકોરના ઠાકોરે ભક્તોની હૂંડી સ્વીકારી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાટડી દર્શન કરી ભગવાનને હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી.દિવાળીના દિવસે રાત્રે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના હાટડી દર્શન યોજાયા હતા. જેમાં રણછોડરાયજીએ વેપારી બની હાટડી ભરી ભક્તોની હૂંડી સ્વીકારી પોતાના ચોપડામાં તેની નોંધ કરી હતી. ભાવિકોએ મોટી સંખ્યામાં રણછોડરાયજીના દર્શનનો લાભ લઈ ભગવાનને પોતાની હૂંડી લખાવી ધન્યતા અનુભવી હતી. પ્રાચીન સમયથી પરંપરાગત રીતે મંદિરમાં હાટડી દર્શન યોજવામાં આવે છે. જેના દર્શનનો ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લેતા હોય છે.દિવાળીએ રાજાધિરાજ વેપારીનું સ્વરૂપ લે છે. ભગવાન વિવિધ વસ્તુઓ લઈને બેસે છે. ભાવિકો ભગવાનને હૂંડી લખાવે છે. દિવાળીની બોણી લખાવે છે, જે ભગવાન સ્વીકારે છે. જેનાથી મનોકામના પૂર્ણ થાય છે. વેપારીનુ સ્વરૂપ લેવાનું કારણ એ છે કે દિવાળીની બોણી લખાવવાથી ધંધો-રોજગાર સારો ચાલતો હોય છે, તેવી માન્યતા છે.દિવાળી હોવાથી વહેલી સવારથી જ ભાવિકોનો મહેરામણ રાજાધિરાજના દર્શન માટે ઉમટ્યો હતો. મંગળા આરતીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રાત્રે હાટડી દર્શન માટે પણ મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે પહોંચ્યા હતા. ભગવાન રણછોડરાયજીના દર્શન કરી હૂંડી લખાવીને ધન્યતા અનુભવી હતી.મંદિરના પૂજારી જનક મહારાજે જણાવ્યું કે, દિવાળીના દિવસે ભગવાનને સવારથી સાંજ સુધી દાગીના ધરાવવામાં આવે છે. સવારનો શૃંગાર જુદો હોય છે, સાંજનો શૃંગાર જુદો હોય છે. સાંજે જ્યારે ભગવાન શૃંગાર કરે ત્યારે સોનાની પેન રાખતા હોય છે. ભગવાન દર્શનાર્થીઓની હૂંડી સ્વીકારે છે, જેને દિવાળીની બોણી કહેવામાં આવે છે. પોતાના વેપારમાં વધારો અને પ્રગતિ થાય એટલા માટે દર્શનાર્થીઓ હૂંડી લખાવતા હોય છે. ભગવાન એમની હૂંડી સ્વીકારે છે. લોકો દિવાળીની બોણી લખાવી ધન્યતા અનુભવે છે.







































