આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં ડાંગ જિલ્લા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે.આરોપી ૧૪ જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન તેણે અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી છે, જેનાથી તપાસનો વ્યાપ વધ્યો છે.આ કેસ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના એક વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ થયો હતો. પીડિતને શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપી છેતરવામાં આવ્યો હતો. આરોપીઓએ નફાના ખોટા દાવા અને હાઈ-પ્રોફાઇલ ટ્રેડિંગ પ્લેટફોર્મ બતાવી પીડિત પાસેથી ૧.૭૦ લાખ જેટલી રકમ પડાવી હતી.આ અંગે ફરિયાદ થતા ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સોર્સ, ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્સફર ટ્રેઇલના આધારે તપાસ શરૂ કરી હતી.તપાસમાં જાણવા મળ્યું કે ૧૪ જેટલા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાયેલા બેંક ઓફ બરોડાના ખાતા માઈક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર સિંઘના નામે હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વર્ષોથી વિવિધ રાજ્યોમાં ક્રિપ્ટો ટ્રેડિંગ, ઓનલાઈન શેરબજાર અને રોકાણના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ડાંગ પોલીસે બાદમાં આરોપીને ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો હતો.રિમાન્ડ દરમિયાન સાયબર ક્રાઇમ ટીમે આરોપી પાસેથી બેંક ખાતાની વિગતો,મોબાઈલ ફોન, ડિજિટલ વોલેટ અને અન્ય ડિવાઇસ સહિતના ટેકનિકલ પુરાવા જપ્ત કર્યા છે.તપાસમાં આરોપી સામે અન્ય રાજ્યોમાં પણ સમાન પ્રકારના ગુનાઓ નોંધાયા હોવાની શક્્યતા છે.ડાંગ પોલીસે નાગરિકોને ઓનલાઈન રોકાણ, શેરબજાર કે ઊંચા નફાના વાયદા કરતી અજાણી લિંક્સ અને કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. સાયબર ફ્રોડ સામે ડાંગ પોલીસની આ કાર્યવાહીને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.










































