ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગુરુવારે કહ્યું હતું કે ભારતીય માલ પર ૫૦ ટકા ટેરિફ લાદવાના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતના નિકાસકારો, નાના અને મધ્યમ ઉદ્યોગો,ઉત્પાદકોને ભારે નુકસાન થશે. આનાથી સપ્લાય ચેઇન ખોરવાશે, વિદેશી રોકાણ બંધ થશે અને નોકરીઓ પર પણ અસર પડશે.
એક દિવસ પહેલા, ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે ટ્રમ્પે હવે ફક્ત એટલા માટે ૨૫ ટકા ટેરિફ ઉમેર્યો છે કારણ કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે, જેનાથી કુલ ટેરિફ ૫૦ ટકા થઈ ગયો છે.
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ ‘એકસ’ પર લખ્યું, આ રાજદ્વારી નથી, પરંતુ ગુંડાગીરી છે. ટ્રમ્પ જેવા મજાકિયાને સમજાતું નથી કે વૈશ્વિક વેપાર કેવી રીતે કાર્ય કરે છે. ઓવૈસીએ કહ્યું કે આ નવો ટેરિફ ભારતના નિકાસકારો,એમએસએમઇ અને ઉત્પાદકોને નુકસાન પહોંચાડશે. આ સપ્લાય ચેઇન તોડી નાખશે, વિદેશી રોકાણ ઘટાડશે અને નોકરીઓ પર ખરાબ અસર કરશે. તેમણે પૂછ્યું, પરંતુ નરેન્દ્ર મોદીને શું ફરક પડે છે? હવે ‘તાકાત બતાવનારા’ ભાજપના નેતાઓ ક્યાં છે?
ઓવૈસીએ કટાક્ષમાં કહ્યું, છેલ્લી વાર મેં પૂછ્યું હતું કે જ્યારે ટ્રમ્પ ૫૬ ટકા ટેરિફ લાદે છે, ત્યારે શું મોદીજી તેમની ૫૬ ઇંચની છાતી બતાવશે? ટ્રમ્પ હવે ૫૦ ટકા પર અટકી ગયા છે. કદાચ તેઓ આપણા ‘બિન-જૈવિક વડા પ્રધાન’થી ડરતા હોય? તેમણે આગળ કહ્યું, શું આપણી વ્યૂહાત્મક સ્વતંત્રતા વેચીને પોતાના અબજાપતિ મિત્રોના ખજાના ભરવાનું યોગ્ય હતું?
ટ્રમ્પે બુધવારે ‘રશિયન સરકાર તરફથી અમેરિકાને થનારા ખતરાઓનો સામનો કરવો’ શીર્ષક હેઠળ એક એક્ઝિકયુંટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ આદેશ હેઠળ, ભારતમાંથી આવતા માલ પર પહેલાથી લાદવામાં આવેલા ૨૫ ટકા ટેરિફ ઉપરાંત, વધુ ૨૫ ટકા ટેરિફ ઉમેરવામાં આવ્યો છે, જે ૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. આ નિર્ણય પછી, કેટલાક પસંદ કરેલા ઉત્પાદનો સિવાય, ભારતથી અમેરિકા મોકલવામાં આવતા મોટાભાગના માલ પર કુલ ૫૦ ટકા ટેરિફ લાગશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય ખાસ કરીને કાપડ, દરિયાઈ ઉત્પાદનો અને ચામડા જેવા ક્ષેત્રો પર ખરાબ અસર કરશે.