અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પના સીધા આદેશ બાદ અમેરિકન સૈન્યએ લેટિન અમેરિકન જળક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ત્રણ શંકાસ્પદ નૌકાઓ પર મિસાઈલ હુમલો કરી ૧૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. અમેરિકાએ હવે ડ્રગ્સ તસ્કરોને ‘નાર્કો ટેરરિસ્ટ’ (નાર્કો આતંકવાદી) જાહેર કરી તેમની સામે સીધું જંગ છેડી દીધું છે.

અમેરિકન સધર્ન કમાન્ડ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, પૂર્વ પ્રશાંત મહાસાગરમાં બે નૌકાઓ અને કેરેબિયન સમુદ્રમાં એક નૌકાને નિશાન બનાવવામાં આવી હતી. પ્રશાંત મહાસાગરમાં થયેલા હુમલામાં ૮ લોકો અને કેરેબિયન સમુદ્રમાં ૩ લોકોના મોત થયા છે. સપ્ટેમ્બર મહિનાથી ચાલી રહેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૪૨ જેટલા હુમલા કરવામાં આવ્યા છે, જેમાં અંદાજે ૧૪૫ લોકોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે ડ્રગ્સની હેરાફેરી એ અમેરિકાની રાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સાથે સીધા સશસ્ત્ર સંઘર્ષમાં છે. દેશના યુવાધનને બચાવવા અને ડ્રગ્સના પ્રવેશને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાં લેવા અનિવાર્ય છે.

અમેરિકન સૈન્યએ નૌકાઓને નષ્ટ કરવાના વીડિયો જાહેર કર્યા છે, જે જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. જોકે, કેટલાક સંગઠનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ નૌકાઓમાં ખરેખર ડ્રગ્સનો મોટો જથ્થો હતો? સેનાએ હજુ સુધી જપ્ત કરેલા ડ્રગ્સના નક્કર પુરાવા સાર્વજનિક કર્યા નથી. આમ છતાં, ટ્રમ્પ સરકાર આ અભિયાનને આતંકવાદ વિરોધી ઓપરેશન જેવું જ મહત્વ આપી રહી છે.