એક હતી બિલાડી. જેનુંનું નામ હતું મીની. મીની ખૂબ જ ટેક્નોસેવી હતી. તે હવે છુપાઈને શિકાર કરતી નહોતી. તે તો આખો દિવસ એક સોફા પર બેસીને તેના સ્માર્ટફોન પર ગેમ્સ રમતી અને રસોઈ બનાવવાની રેસિપી જોતી.
અને આપણો નાનો, ચતુર ઉંદર, જેનું નામ હતું ચીકુ, તે પણ ઓછો નહોતો. ચીકુ પાસે પોતાનું એક નાનકડું ટેબ્લેટ હતું, જેનાથી તે ઘરમાં સિક્યોરિટી કેમેરાનાં ફૂટેજ જોતો અને મીનીની હિલચાલ પર નજર રાખતો.
એક સવારે ચીકુને ખૂબ ભૂખ લાગી. તેને રસોડાના કબાટમાં મૂકેલો ચીઝનો મોટો ટુકડો યાદ આવ્યો. તેણે પોતાનું ટેબ્લેટ ખોલ્યું અને કિચનનો લાઈવ વીડિયો જોયો. મીની બિલાડી રસોડામાં નહોતી! તે તો લિવિંગ રૂમમાં સોફા પર બેઠી બેઠી કોઈ ગેમ રમવામાં વ્યસ્ત હતી. ચીકુને થયું, આ મીની ગેમ રમવામાં વ્યસ્ત છે ત્યાં સુધી હું ધીમે રહીને ચીઝના ટુકડા સુધી પહોંચી જાઉં. આમ વિચારી ચીકુ ઝડપથી દરમાંથી બહાર નીકળ્યો અને કિચન તરફ દોડ્‌યો.
મીની પણ એટલી જ ચપળ અને સચેત હતી. તેણે પોતાના સ્માર્ટફોનમાં ‘માઉસ ટ્રેકિંગ એપ’ ડાઉનલોડ કરી રાખી હતી! જેવી ચીકુની હલચલ થઈ, એપમાં લાલ ટપકું ચમક્યું અને એલાર્મ વાગ્યુંઃ “બિપ! બિપ! ઉંદરની ગતિવિધિ નોંધાઈ છે!”
મીની ગેમ છોડીને તરત ઊભી થઈ ગઈ. તેણે પોતાના ફોનમાં જોયું કે ચીકુ કિચન તરફ જઈ રહ્યો છે. ચીકુએ જોયું કે મીની તેની તરફ આવી રહી છે. તેણે વિચાર્યું, ‘આ બિલાડી તો મારા કરતાં પણ સ્માર્ટ થઈ ગઈ છે! મારે કોઈ ઉપાય વિચારવો જ રહ્યો!’
ચીકુ તરત જ કબાટની પાછળ સંતાઈ ગયો. તેને યાદ આવ્યું કે ઘરના વાઈ-ફાઈ રાઉટરનો મેઈન પ્લગ કિચનમાં જ હતો. જેવી મીની કિચનમાં પ્રવેશી, ચીકુએ કૂદકો માર્યો અને ઝડપથી વાઈ-ફાઈનો પ્લગ ખેંચી નાખ્યો!
પ્લગ નીકળતાંની સાથે જ, મીનીના સ્માર્ટફોનમાંથી તરત જ અવાજ આવ્યોઃ ‘બિપ! બિપ! ઈન્ટરનેટ કનેક્શન ઇઝ લોસ્ટ! પ્લીઝ ચેક યોર કનેક્શન!’ મીની ગભરાઈ ગઈ. ‘અરે! હવે હું ઈન્ટરનેટ વગર શું કરીશ! મારા બધા ઓનલાઈન કામ અટકી પડશે! હવે હું રેસિપી ક્યાંથી જોઈશ? મારો ફેવરિટ લાઈવ શા પણ હું કેવી રીતે જોઇશ!”
મીની તરત જ ઉંદરનો પીછો કરવાનું છોડીને પ્લગને ફરીથી લગાવવા દોડી. ચીકુ હસી પડ્‌યો. તેણે શાંતિથી કબાટ ખોલ્યું, ચીઝનો ટુકડો લીધો અને પોતાના દરમાં પાછો પહોંચી ગયો.
ચીકુએ વિચાર્યું, ‘હવે આ મીનીથી બચવા મારે કઈંક તો વિચારવું જ રહ્યું. નહિ તો ક્યારેક હું આ મીનીની ઝપેટમાં આવી જઈશ.’ બીજા દિવસે ચીકુએ તેના ટેબ્લેટ પર એક નવું ‘સાઈબર સિક્યોરિટી’નું સેટઅપ ગોઠવી દીધું, જેથી ટેક્નોસેવી મીની ફરીથી તેની જાસૂસી ન કરી શકે.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭