ધાન્યપુર નામે એક ગામ હતું. ત્યાં એક નાનકડો પણ બુદ્ધિશાળી જગ્ગુ ઉંદર રહેતો હતો. જગ્ગુને અનાજ ખાવું ખૂબ ગમતું, પણ અનાજ શોધવામાં ઘણી મહેનત કરવી પડતી. કયારેક તો ખોરાકની શોધમાં જગ્ગુ એને એના સાથીઓનો જીવ જોખમમાં મૂકાતો. હવે તો લોકો પણ અનાજ અને બીજો ખોરાક સાચવવા અવનવી તરકીબ અજમાવતા હતા. જેથી જગ્ગુ અને એના સાથીઓ માટે ખોરાક સુધી પહોંચવું હવે સહેલું નહોતું.
જગ્ગુ વિચારમાં પડ્યો, ‘જો માણસો ટૅકનોલોજી વાપરે છે, તો હું કેમ નહીં?’
તેથી તેણે પોતાની ટૅક લેબ બનાવી. જૂના મોબાઈલનો સ્ક્રીન, બૅટરી અને ડ્રોનના ભાગો જોડીને તેણે એક નાનકડું “ફૂડ ફાઈન્ડર ડ્રોન” બનાવ્યું.
ડ્રોન ઊડયું – ફૂરરરર!
ડ્રોન આખુય ગામ ફર્યું અને અનાજની સુગંધ ક્યાંથી આવી રહી છે તે સ્કેન કરતું રહ્યું. જેમ-જેમ ડ્રોન ઊડતું હતું તેમ-તેમ જગ્ગુને મોબાઈલની એપમાં નકશો દેખાતો હતો. અચાનક મોબાઈલમાં બીપ… બીપ… બીપ… અવાજ શરૂ થયો. ડ્રોને અનાજનું લોકેશન શોધી કાઢ્યું હતું. એપ બતાવતી હતી – ‘મકાન નંબર ૨૧, રસોડામાં અનાજના ડબ્બા ભરેલા છે.’
જગ્ગુ ખુશ થઈને બોલ્યો, ‘વાહ! હવે મળી ગયો અનાજનો ખજાનો! હવે તો મારી અને મારા સાથીઓની ભૂખ જરૂર ભાંગી જશે!’
તે રાત્રે તેની ટીમ, ચીકુ ઉંદર, મીકુ ઉંદર અને ટીટ્ટુ ઉંદર બધા અનાજના ભંડાર સુધી પહોંચવા આતુર હતા. આખી ઉંદરસેના તૈયાર હતી! આગળ જગ્ગુ અને પાછળ ઉંદરસેના! સરરર કરતી દોડતી જાય… દોડતી જાય! ડ્રોનની લાઇટથી રસ્તો દેખાતો હતો. આખરે તેઓ અનાજના ડબ્બા સુધી પહોંચી જ ગયા! જગ્ગુએ વાયરલેસ કટરથી ડબ્બાનું ઢાંકણું ખોલ્યું.
ચીકુ બોલ્યો, જગ્ગુભાઈ, ‘વાહ રે! ટૅક્નોલોજી તો ખરેખર કમાલ છે!’
જગ્ગુ હસ્યો અને બોલ્યો, ‘હા મિત્રો, બુદ્ધિ અને ટૅકનોલોજી જો એક થાય તો કોઈ કામ અશક્ય નથી!’
તે દિવસ પછી ધાન્યપુરના બધા ઉંદરોએ જગ્ગુ પાસેથી ટૅક્નો-ટ્રેનિંગ લીધી. હવે બધા ઉંદર ‘સ્માર્ટ ઉંદર’ બની ગયા. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭








































