મહિલા ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૨ જૂનથી શરૂ થવાનો છે. આ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડમાં રમાશે. આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ માટે બધી ટીમો જારશોરથી તૈયારી કરી રહી છે. ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા, વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમાશે. યજમાન વેસ્ટ ઇન્ડીઝે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ઓક્ટોબર ૨૦૨૩ પછી પહેલી વાર વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમે તાજેતરમાં શ્રીલંકા સામે ટી ૨૦ શ્રેણી રમી હતી અને ૨-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર છતાં, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામે આગામી ઘરઆંગણે ટી ૨૦ શ્રેણી માટે તેમની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ ટી ૨૦ શ્રેણી માટે હેલી મેથ્યુઝને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મેથ્યુઝ ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંની એક છે. તેણીએ અત્યાર સુધી તેની કારકિર્દીમાં ૧૦૨ વનડે અને ૧૧૫ ટી ૨૦ રમી છે, અને તેને કુલ ૨૧૭ મેચનો અનુભવ છે.
મેથ્યુઝ ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્ટેફની ટેલર, શેમેન કેમ્પબેલ અને ડીએન્ડ્રા ડોટિન જેવી અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં ઇબોની બ્રેથવેટ અને જહઝારા ક્લાક્સટન જેવા યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ શ્રેણી દ્વારા, બંને ટીમો આગામી ટી ૨૦ વર્લ્ડ કપ માટે તેમની તૈયારીઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
બંને ટીમો વચ્ચે શ્રેણીની પહેલી ટી ૨૦ મેચ ૧૯ માર્ચે રમાશે, ત્યારબાદ આગામી બે મેચ ૨૧ અને ૨૩ માર્ચે રમાશે. ત્રણેય મેચ કિંગ્સ્ટનના આર્નોસ વેલે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ટી ૨૦ મેચો પછી, બંને ટીમો સેન્ટ કિટ્‌સ અને નેવિસના વોર્નર પાર્ક ખાતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં એકબીજાનો સામનો કરશે. આ પ્રવાસ માટે એક ટેસ્ટ મેચ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ તેને પડતી મૂકવામાં આવી હતી કારણ કે યજમાન ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા સફેદ બોલ ક્રિકેટને પ્રાથમિકતા આપવા માંગતી હતી.
ઓસ્ટ્રેલિયા સામેની ટી ૨૦ શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝ મહિલા ટીમ
હેલી મેથ્યુસ (કેપ્ટન), ચિનેલ હેનરી, આલિયા એલીન, એબોની બ્રેથવેટ, શેમેઈન કેમ્પબેલ, જાહઝારા ક્લાક્સટન, ડીએન્ડ્રા ડોટિન, એફી ફ્લેચર, જેનિલિયા ગ્લાસગો, શૌનિશા હેક્ટર, ઝૈદા જેમ્સ, કિયાના જાસેફ, મેન્ડી મેંગરુ, કરિશ્મા રામહારેક, સ્ટેફની ટેલર