બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં યુએઇના પ્રવાસ પર છે અને ૩ મેચની ટી-૨૦ શ્રેણી રમી રહી છે. પહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમ ૨૭ રનથી જીતવામાં સફળ રહી હતી પરંતુ બીજી મેચમાં કંઈક એવું બન્યું જે પહેલાં ક્યારેય જાવા મળ્યું ન હતું. ૧૯ મેના રોજ શારજાહમાં રમાયેલી બીજી ટી ૨૦ મેચમાં યુએઇએ બાંગ્લાદેશને હરાવીને મોટો અપસેટ સર્જ્યો યુએઇ એ ટી ૨૦ ક્રિકેટમાં પ્રથમ વખત બાંગ્લાદેશને હરાવવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. એટલું જ નહીં, એસોસિયેટ ટીમ યુએઈ એ કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત પૂર્ણ સભ્ય ટીમ બાંગ્લાદેશને હરાવ્યું છે.યુએઈ ની આ શાનદાર જીતનો હીરો કેપ્ટન મોહમ્મદ વસીમ હતો, જેણે ૮૨ રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા. જવાબમાં, યજમાન યુએઈએ માત્ર ૧ બોલ બાકી રહેતા ૨૦૬ રનનો પર્વતીય લક્ષ્યાંક હાંસલ કર્યો. આ રીતે, ેંછઈ એ ્૨૦ૈં માં તેની સૌથી મોટી જીત નોંધાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી. યુએઈની આ ઐતિહાસિક જીતમાં ટીમના કેપ્ટન મુહમ્મદ વસીમે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. વસીમે લગભગ ૨૦૦ ના સ્ટ્રાઇક રેટથી ૪૨ બોલમાં ૮૨ રનની તોફાની ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગમાં તેણે ૯ ચોગ્ગા અને ૫ જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.
તમને જાણીને નવાઈ લાગશે કે યુએઈએ પહેલીવાર ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. એટલું જ નહીં,યુએઈ ટીમ ટી ૨૦માં કોઈપણ પૂર્ણ સભ્ય ટીમ સામે આટલા મોટા સ્કોરનો પીછો કરનારી પ્રથમ એસોસિયેટ ટીમ છે. આ જીત બાદ, યુએઈ એ ૩ મેચની શ્રેણી ૧-૧ થી બરાબર કરી લીધી છે. શ્રેણીનો નિર્ણય હવે ૨૧ મેના રોજ શારજાહમાં રમાનારી ત્રીજી ટી ૨૦ મેચ દ્વારા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં ૯મા ક્રમે છે જ્યારે યુએઈ રેન્કિંગમાં ૧૫મા સ્થાને છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે યુએઈ માટે આ જીત કેટલી મોટી છે. ૨૦૧૬ થી યુએઇ અને બાંગ્લાદેશ વચ્ચે ટી ૨૦ મેચ રમાઈ રહી છે, પરંતુ યુએઈ ને હવે પહેલીવાર બાંગ્લાદેશ સામે સફળતા મળી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ વનડે મેચ રમાઈ છે, જેમાં બાંગ્લાદેશ જીત્યું છે.