ટી ૨૦ શ્રેણીની પહેલી મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને બાંગ્લાદેશ સામે ૭ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ પછી, આખી પાકિસ્તાન ટીમ ફક્ત ૧૦૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ.ત્યાર બાદ બાંગ્લાદેશે આ લક્ષ્ય ફક્ત ૧૫.૩ ઓવરમાં પ્રાપ્ત કર્યું.

બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી જ્યારે તાંઝીદ હસન તાંઝીમ માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન લિટન દાસ પણ એક રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ પરવેઝ હુસૈન ઇમોન અને તૌહીદ હૃદયાએ ત્રીજી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. આ ખેલાડીઓએ સારી બેટિંગ દર્શાવી હતી. પરવેઝે ૩૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૫૬ રનની અણનમ ઇનિંગ રમી હતી. તૌહીદ હૃદયાએ ૩૬ રન બનાવ્યા હતા. જાકર અલીએ ૧૫ રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.

પાકિસ્તાન ટીમ માટે ફખર ઝમાને સૌથી વધુ ૪૪ રન બનાવ્યા. તેમના સિવાય અબ્બાસ આફ્રિદીએ ૨૨ રનનું યોગદાન આપ્યું. આ ખેલાડીઓ સિવાય બાકીના બેટ્‌સમેન ક્રીઝ પર ટકી શક્યા નહીં અને રન બનાવવા માટે ઝંખતા રહ્યા. સેમ અયુબે ૬ રન, મોહમ્મદ હેરિસે ૪ રન અને સલમાન અલી આઘાએ ૩ રન બનાવ્યા. બેટ્‌સમેનોના નબળા પ્રદર્શનને કારણે, ટીમ તેના ક્વોટાની સંપૂર્ણ ૨૦ ઓવર રમી શકી ન હતી અને ૧૦૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટી૨૦ ક્રિકેટમાં આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ સામેની મેચમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. બાંગ્લાદેશના બોલરોને કારણે આ ચમત્કાર શક્યો બન્યો છે. મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો. તેણે ચાર ઓવરમાં ૬ રન આપીને બે વિકેટ લીધી. તેના સિવાય, તસ્કીન અહેમદે ૩.૩ ઓવરમાં ૨૨ રન આપીને ત્રણ વિકેટ લીધી. મેહદી હસન અને તંજીમ હસન શાકિબે એક-એક વિકેટ લીધી. પાકિસ્તાની બેટ્‌સમેન આ બોલરો સામે ટકી શક્યા નહીં.